ભરૂચના રતનપુર ગામે હઝરત બાવાગોર દરગાહનો ચસ્મો વધાવાશે
ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ પાસેના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર ની દરગાહ નો ચસ્મો (પાણીનો કુંડ )તા.૨૬ સપ્ટેમ્બર ને ગુરુવારે વધાવવામાં આવશે.ઉલ્લેખનીય છેકે આ ચસ્મો હઝરત ના સમયથી પહાડ પર આવેલ છે.કહેવાય છેકે હઝરત બાવાગોર અને તેમના સાથીઓએ ૮૦૦ વર્ષ અગાઉ જ્યારે આ પહાડ પર મુકામ કર્યો ત્યારે તેમની પાણીની સગવડ માટે કુદરતી રીતે પાણીનો સ્ત્રોત ઉત્પન્ન થયો હતો.
જે ત્યારબાદ ચસ્મા ના નામથી જાણીતો થયો.ભારતના પ્રસિદ્ધ સુફી આસ્તાનાઓ માં હઝરત બાવાગોર ની દરગાહ ની ગણના થાય છે.૮૦૦ વર્ષ પૂર્વે આ દયાળુ સંત અને તેમના અનુયાયીઓ એ આ પહાડ પર મુકામ કરીને આ જગ્યાને પોતાની કર્મભૂમિ બનાવી.હઝરત બાવાગોર ની દરગાહ વર્ષોથી હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતિક બની રહી છે.આ પહાડ પર આવેલ ચસ્મો (પાણીનો કુંડ)દરવર્ષે ભાદરવા મહિના ના છેલ્લા ગુરુવારે વધાવવા માં આવે છે.તા.૨૬ ને ગુરુવારે હઝરત કમાલુદ્દિન બાવા-વડોદરા ના હસ્તે ફુલ ધાણી અને નાળિયેર થી ચસ્મો વધાવાશે.ચસ્મો વધાવવાના દિવસે પરંપરાગત ભવ્ય મેળાનું આયોજન થાય છે.
હઝરત બાવાગોર ની દરગાહ ભુત પ્રેત ના વળગાડ વાળી અને મેલી વિદ્યાની અસરવાળી વ્યક્તિઓ માટે પરમ આસ્થાનું પ્રતિક મનાય છે.આવી અસર વાળી વ્યક્તિઓ નો અહિં સદા ઝમેલો રહે છે.આ સુફી સંતના આસ્તાના પર દર ગુરુવાર અને રવિવારે મોટું માનવમહેરામણ ઉમટે છે.
જેના લઈને મેળા જેવું દ્રશ્ય જામે છે.ઉપરાંત દરરોજ પણ બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ નો પ્રવાહ નિરંતર વહેતો હોય છે.દરગાહ ટ્રસ્ટ દ્વારા તા.૨૬ સપ્ટેમ્બર ને ગુરવાર ના રોજ ચસ્મો વધાવવાના દિવસે ભરાનારા ભવ્ય મેળાનો લાભ લેવા ભાવીક જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.