કોમર્સ કોલેજ છ રસ્તા સર્કલ પાસે જાહેર શૌચાલયની ખસ્તા હાલત
અમદાવાદ, એક તરફ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. જ્યારે બીજી બાજુ સરકારી શૌચાલયોની આસપાસ જ ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં આવા શૌચાલયો તંત્રની નજરે ચઢતા નથી. કોમર્સ કોલેજ છ રસ્તા સર્કલ, નવરંગપુરામાં એક જાહેર શૌચાલય આવેલ છે. જેની હાલત અત્યંત શરમજનક છે. આ શૌચાલય પેશાબથી ભરેલું છે અને આ શૌચાલયની અંદર દાખલ થઈ શકાય એમ નથી.
શૌચાલયની સફાઈ માટે શૌચાલયની ઉપર પાણીની ટાંકી પણ નથી. તો આ શૌચાલયની સફાઈ કઈ રીતે થઈ શકે એ શૌચાલયની ડીઝાઇન કરનારે વિચારેલ છે કે કેમ એ પણ તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત શૌચાલયની ટાઈલ્સો પણ તૂટી ગઈ છે.
શૌચાલયની અંદર એટલી ગંદકી હોય છે કે નાગરીકોને ન છૂટકે શૌચાલયની બહાર જ બાથરૂમ જતાં હોય છે જેને કારણે ગંદકી વધારે થાય છે.
શૌચાલયની બહારની દીવાલ પર જાહેરાતના પોસ્ટરો લગાવેલ છે અને કાળા પેઈન્ટથી લખેલ પણ છે. આ પોસ્ટરો જે કંપનીના હોય તેમની પાસેથી ગેરકાયદેસર પબ્લિકસિટી માટે ભારે દંડરૂપ કાર્યવાહી કરવી જોઈએ એવું સૂચન પણ આસપાસના રહિશોએ કર્યુ હતું.
ખાનગી સ્થાનોએ ગંદકીના કારણે મેલેરિયાના મચ્છરો પેદા થાય એવી સ્થિતિ હોય તેમને મ્યુ. કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેંટ દ્વારા પેનલ્ટી કરવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનના પોતાના જ બાંધકામોની આસપાસ ગંદકી થતી હોય છે તેનું કોઈ ધ્યાન રાખતું નથી.
આવા જાહેર શૌચાલય માટે હેલ્થ ડિપાર્ટમેંટના અધિકારીઓ / કર્મચારીઓ જવાબદાર છે. તો તેમની સામે કડક પગલાં લેવા જોઈએ તેવું લોકોનું માનવું છે.