ગુજરાતના નવા મંત્રીમંડળમાં સાત મંત્રીઓનો ગુનાઈત ઈતિહાસ

ગાંધીનગર, ભાજપની નવી સરકારમાં કુલ ૨૫ મંત્રીઓ પૈકી ૭ મંત્રીઓ એવા છે જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, જીતુ ચૈાધરી સામે ગંભીર કહી શકાય તેવી કલમો સાથે ગુના નોધાયા છે. નવા પ્રધાનમંડળમાં કુલ ૨૮ ટકા મંત્રીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પ્રજાની સેવા કરવાની સુફિયાણી વાતો કરતાં જનપ્રતિનિધીઓ ના હાથ મારામારી, વિશ્વાસઘાત, છેતરપિંડી જેવા કરતૂતોથી ખરડાયેલાં છે.
એસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ સંસૃથાએ નવા મંત્રીમંડળના મંત્રીઓના સોગંદનામાના કરેલાં રસપ્રદ વિશ્લેષ્ણમાં એવી વિગતો બહાર આવી છે કે, ભાજપ સરકારના સાત મંત્રીઓ સામે ગુના નોંધાયેલાં છે. સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપ પરમાર સામે મિલ્કત સંબેધી વિશ્વાસઘાત અને છેતરપિડીનો ગુનો નોંધાયેલો છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સામે મહારાષ્ટ્રમાં ચેક બાઉન્સ થવાના કેસો નોંધાયેલા છે. વાહન વ્યવહાર- નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદ રૈયાણી સામે મારામારી, શાંતિભંગ અને ગુનો કરવા ઉશ્કેરવી એ મુદ્દે પોલીસે ચોપડે ગુનો નોંધાયેલો છે. મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ય આ મામલે બાકાત રહ્યા નથી. તેમની સામે સરકારી અધિકારીના હુકમના અનાદર બદલ ગુનો નોંધાયો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગેરકાયદેસર મંડળી રચી મારામારી જ નહીં, ગેરકાયદેસર રીતે વ્યક્તિની અટકાયત કરવી એ ગુનો નોંધાયેલો છે. નર્મદા અને કલ્પસર મંત્રી જીતુ ચૌધરી સામે ય શાંતિભંગ સહિતના ગુના બદલ પોલીસ ચોપડે ગંભીર કલમ નોધાઇ છે.
ટૂંકમાં, જાહેર જીવનમાં પ્રજાની સેવા કરતાં ચૂંટાયેલાં પ્રતિનીધીઓ કયાંક મારામારી,છેતરપિડી અને વિશ્વાસઘાત ઉપરાંત મિલ્કત સંબધી ગુના આચર્યા છે. આ જ જનપ્રતિનીધીઓ આજે મંત્રીપદ શોભાવી રહ્યાં છે. જાહેર સમારોહ, સરકારી કાર્યક્રમમમાં આજ મંત્રીઓ હવે પ્રજા સમક્ષ ભ્રષ્ટાચાર નાબૂદી સહિતના શીખામણરૂપી પ્રવચનો આપશે.નવા મંત્રીમંડળમાં ૨૫ મંત્રીઓ પૈકી ૧૯ મંત્રીઓ કરોડપતિ છે.
મંત્રીઓની સરેરાશ મિલ્કત રૂા.૩.૯૫ કરોડ છે. આખાય મંત્રી મંડળમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌથી માલદાર છે. તેમની કુલ રૂા.૧૪.૯૫ કરોડ સંપત્તિ છે.જયારે મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ સૌથી ઓછી રૂા.૧૨.૫૭ લાખની મિલ્કત ધરાવે છે. કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલને રૂા.૩.૧૩ કરોડનુ દેવુ છે.HS