વિવાદો વચ્ચે ઓક્ટોબરમાં વેક્સિન મૈત્રી યોજના ફરીથી શરૂ થશે!

નવીદિલ્હી, જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં રસીકરણ શરૂ થયું, ત્યારે સરકારે ‘વેક્સિન મૈત્રી’ હેઠળ વિશ્વના ઘણા દેશોને કરોડો ડોઝ ઉપલબ્ધ કરાવ્યા હતા. ત્યારબાદ બીજી લહેર અને રસીની અછતને કારણે રસીની નિકાસ અટકાવી દેવામાં આવી હતી. હવે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ છે ત્યારે ભારત સરકારે તેને ફરી શરૂ કરવાનો ર્નિણય લીધો છે, જે અંતર્ગત ઓક્ટોબર ૨૦૨૧ થી રસીની વિદેશમાં સપ્લાય શરૂ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે આની જાહેરાત કરી હતી.
આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતનું સૂત્ર વસુધૈવ કુટુમ્બકમ છે, આ સ્થિતિમાં રસીની નિકાસ ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવશે, વધારાનો પુરવઠો એવા દેશોમાં મોકલવામાં આવશે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે.
જેથી કોરોના સામે સામૂહિક લડાઈમાં પ્રતિબદ્ધતા પૂરી થઈ શકે. આ વર્ષે એપ્રિલના અંત સુધીમાં ભારતે ૬૬.૪ મિલિયન કોવૈક્સિન અને કોવિશિલ્ડ ડોઝની નિકાસ કરી હતી. આ જથ્થો વિશ્વભરના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં મોકલવામાં આવ્યો હતો. કેટલાકને દાન તરીકે મોકલાઈ હતી અને કેટલાકને વ્યવસાયિક રૂપે મોકલવામાં આવી હતી.
બીજી તરફ રસીના ઉત્પાદન અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં ૩૦ કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન થશે. આ પછી આગામી મહિનાઓમાં ૧ અબજ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. શરૂઆતથી જ વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ રસીની નિકાસનો વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે જ્યારે ભારતમાં દરેક વ્યક્તિ માટે રસી ઉપલબ્ધ નથી ત્યારે સરકાર અન્ય દેશોને પ્રાથમિકતા કેમ આપી રહી છે. આ સિવાય દિલ્હીમાં ઘણા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં પીએમને પૂછવામાં આવ્યું હતું કે તેમણે દેશના લોકોની રસી બહાર કેમ મોકલી?HS