Western Times News

Gujarati News

કાંકરિયા રોડ પર રીક્ષા ગેંગ ત્રાટકી

અસામાજિક તત્ત્વો નો અડ્ડો બની ગયેલા કાંકરિયા રોડ પર બાઈક સવારને લૂંટી લીધો  બાઈક સરખી રીતે નહી ચલાવતો હોવાથી માર મારવાની ધમકી આપી

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓ વચ્ચે નવા ટ્રાફિક નિયમોના કારણે સામાન્ય નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે ત્યારે લુંટારુઓ હવે નકલી પોલીસ બનીને નાગરિકોની લુંટી રહયા છે ઠેરઠેર ટ્રાફિકના નવા નિયમોના લીધે આવી ટોળકીઓ વાહન ચાલકોને ધમકાવી લુંટી રહી છે શહેરના કાંકરિયા રોડ પર છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આંતક મચેલો છે.

આ રસ્તા પર ખુલ્લેઆમ ગુનાખોરી આચરવામાં આવી રહી છે અને પોલીસ મુકપ્રેક્ષક બનીને સમગ્ર તમાશો નીહાળતી હોય તેવું દ્રશ્ય જાવા મળી રહયું છે અવારનવાર આ રસ્તા પર લુંટફાટની ઘટનાઓ ઘટતી હોય છે ખાસ કરીને કેટલીક રીક્ષાઓમાં ફરતી લુંટારુ ટોળકીઓ નાગરિકોને ડરાવી ધમકાવીને લુંટફાટ કરી રહી છે ગઈકાલે પણ રાત્રે એક બાઈક ચાલકને અટકાવીને રીક્ષામાં ફરતી લુંટારુ ટોળકીએ વાહન સરખી રીતે નહી ચલાવતો હોવાથી માર મારવાની ધમકી આપી તેને લુંટી લેતા સનસનાટી મચી ગઈ છે. અગાઉ પણ આ રોડ પર નકલી પોલીસ દ્વારા લુંટના બનાવો નોંધાયેલા છે.

આ અંગેની વિગત એવી છે કે મણિનગર ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા રાકેશ હિરાભાઈ પટેલ છેલ્લા ૭ વર્ષથી જમાલપુર શાકમાર્કેટ પાસે આવેલી એક ખાનગી કંપનીમાં કેશીયર તરીકે નોકરી કરી રહયા છે અને તેઓ સવારે ઓફિસે ગયા બાદ નિત્યક્રમ મુજબ રાત્રે કાંકરિયા રોડ થઈ ઘરે પરત ફરતા હોય છે ગઈકાલે રાત્રે ૧૦.૦૦ વાગ્યાની આસપાસ રાકેશભાઈ પોતાનુ બાઈક લઈને ઘરે પરત ફરી રહયા હતા.

ત્યારે કાંકરિયા રોડ પર બમ્પના કારણે પોતાનું બાઈક ધીમુ પાડયુ હતું આ દરમિયાનમાં જ પાછળથી એક રીક્ષા પુરઝડપે આવી હતી અને રાકેશભાઈ પટેલને આંતરીને તેમને અટકાવ્યા હતાં. રાકેશભાઈ કશું સમજે તે પહેલા જ રીક્ષામાંથી ત્રણ શખ્સો નીચે ઉતર્યા હતા અને તેમને ધમકાવવા લાગ્યા હતા તને બાઈક ચલાવતા આવડતુ નથી તેથી કાર્યવાહી કરવી પડશે અને આમ કહી મારવાની પણ ધમકી આપી હતી આ દરમિયાનમાં એક શખ્સે રાકેશભાઈના ખિસ્સામાંથી મોબાઈલ ફોન લુંટી લીધો હતો બીજીબાજુ રાકેશભાઈ કશું સમજે તે પહેલા જ રીક્ષામાં બેસી ત્રણેય લુંટારુઓ પલાયન થઈ ગયા હતા.

ગણતરીની મીનીટોમાં જ આ સમગ્ર ઘટનાથી ગભરાયેલા રાકેશભાઈએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને સમગ્ર ઘટનાની જાણ કરતા સ્થાનિક નાગરિકો પણ ગભરાયા હતાં.

જાહેર રોડ પર જ યુવકને લુંટી લેવાની ઘટનાથી તાત્કાલિક રાકેશભાઈ પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા અને આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ વારંવાર આવી બનતી ઘટનાઓથી ચોંકી ઉઠયા છે કાંકરિયા રોડ પર છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેઠા હોય છે ખાસ કરીને કેટલીક રીક્ષાઓમાં અનૈતિક પ્રવૃતિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે.

પરંતુ પોલીસતંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ રોડ પર હવે સામાન્ય નાગરિકો પસાર થતા પણ ડરવા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવને વિકસાવ્યા બાદ અહી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને તેઓ આવી ટોળકીનો ભોગ બની રહયા છે. ગઈકાલની લુંટની ઘટનાથી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ફરતી કેટલીક રીક્ષાઓમાં લુંટારુ ટોળકીઓ ખુલ્લેઆમ લુંટફાટ કરી રહી છે તેમ છતાં આવી ટોળકીઓને પકડવામાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે જેના પરિણામે હવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.