10,000 US ડોલર લઈ ગઠિયો ફરાર
આરોપીએ પોતાના ગ્રુપને વિદેશ જવાનું હોવાથી અમેરિકન ડોલર મંગાવ્યા હતાં : ઓફિસના કર્મચારી પાસેથી ડોલર લઈ રૂપિયા ચુકવવાના બદલે ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ઘટનાઓના પગલે અનેક વહેપારીઓના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે શહેરના કાપડ મહાજન તથા અન્ય વહેપારીઓ દ્વારા કેટલાક અન્ય રાજયના વહેપારીઓ ઉધારમાં માલ લીધા બાદ રૂપિયા પરત નહી કરી છેતરપીંડી આચરી રહયા છે જેની સામે હવે ગુજરાતના વહેપારીઓએ પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે આ પરિસ્થિતિમાં છેતરપીંડીની એક ચોંકાવનારી ઘટના ઘટી છે
જેમાં ગ્રુપને વિદેશ મોકલવાના બહાને એક શખ્સે ફોરેન મની એકસચેન્જ કરતી કંપની પાસેથી ૧૦ હજાર યુએસ ડોલર મેળવી રૂપિયા નહી ચુકવી ફરાર થઈ જતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક શોપીંગ સેન્ટરમાં યુવકને ડોલર સાથે બોલાવ્યો હતો અને ત્યારબાદ ડોલર લઈને આરોપી ફરાર થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી પરપ્રાંતિય હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેતરપીંડીની સંખ્યાબંધ ઘટનાઓ વચ્ચે પોલીસતંત્રની જુદી જુદી એજન્સીઓ તેની તપાસ કરી રહી છે છેતરપીંડીનો ભોગ બનતા વહેપારીઓ પોતાના નાણાં મેળવવા માટે પ્રયાસો કરી રહયા છે છેલ્લા કેટલાક સમયથી વહેપારીઓ દ્વારા ઉધારમાં માલ નહી આપવા સહિતના નિર્ણયો લીધા છે ત્યારે ભેજાબાજ ગઠીયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરીને વહેપારીઓ સાથે છેતરપીંડી આચરી રહયા છે શહેરના નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે ફોરેન મની એકસચેન્જ કરતી એક કંપની કાર્યરત છે અને તેમાં કેટલાક કર્મચારીઓ પણ કામ કરી રહયા છે.
સમીર ગીરીશભાઈ સોની આ કંપનીમાં સક્રિય કર્મચારી તરીકેની ભૂમિકા ભજવે છે આ દરમિયાનમાં તા.૧૮મીએ બપોરના સમયે ઓફિસમાં એક ફોન આવ્યો હતો ફોન કરનાર શખ્સે પોતાનું નામ અનંથ નાદરાજ હોવાનું જણાવ્યું અને તેણે કહ્યું હતું કે તેના ગ્રુપને થાઈલેન્ડ જવાનુ છે તેથી વિદેશી ચલણની જરૂર છે સમગ્ર ગ્રુપ માટે અંદાજે ૧૦ હજાર યુએસ ડોલરની જરૂરિયાત છે
આ ફોન દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી અને કાયદેસર રીતે એક ડોલરનો ભાવ રૂ.૭ર.૪૦ થતો હોવાથી ૧૦ હજાર ડોલરના રૂ.૭.ર૪ લાખ ચુકવવા પડશે તેવુ જણાવ્યું હતું. નકકી થયેલી રકમ મુજબ ૧૦ હજાર ડોલર આપી જવા માટે અનંથે કંપનીના કર્મચારીને જણાવ્યું હતું આ માટે ફોન ઉપર થયેલી ચર્ચા મુજબ થલતેજ વિસ્તારમાં આવેલી અનંથ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં આ ડોલર આપી જવા માટે નકકી થયું હતું
તે મુજબ સમીર ૧૦ હજાર યુએસ ડોલર લઈને થલતેજની ઓફિસમાં ગયો હતો અને ત્યાં કાઉન્ટર પર પુછતા કર્મચારીએ અનંથનો સંપર્ક કરાવ્યો હતો અનંથે સમીર પાસેથી ૧૦ હજાર ડોલર લઈ લીધા હતા અને કીધુ હતું કે હું તને બે મિનિટમાં જ રૂપિયા આપુ છું તેમ કહી ઓફિસની બહાર નીકળ્યો હતો પ થી ૧૦ મિનિટ થવા છતાં આ શખ્સ પાછો નહી આવતા સમીરે ફોન કર્યો હતો ત્યારે અનંથે જણાવ્યું હતું કે બસ તે થોડીવારમાં જ આવે છે.
સમય વિતવા છતાં તે પરત નહી ફરતા સમીરે ફરી વખત ફોન લગાડયો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો જેના પરિણામે કંઈક ખોટુ થયું હોવાની આશંકાથી સમીરે પોતાની ઓફિસમાં ફોન કરીને હકીકત જણાવી હતી જેના પગલે અન્ય કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતાં પ્રારંભમાં આ ઓફિસમાં હાજર લોકોની પુછપરછ કરતા તેઓ આરોપી વિશે કશું જાણતા ન હોવાનું જણાવી રહયા છે.
આ અંગે આખરે સમીરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પહોચી જઈ સમગ્ર હકીકત જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે આ જ મોડસ ઓપરેન્ડીથી આરોપીએ અન્ય લોકો સાથે પણ છેતરપીંડી આચરી હોવાનું મનાઈ રહયું છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.