૪૮ કલાકમાં માર્ગોની હાલત નહિ સુધારાય તો આંદોલનની ચીમકી

ભરૂચ શહેર અને જીલ્લો ખાડાગ્રસ્ત બનતા સામાજીક કાર્યકરો અને વિપક્ષના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ સામાજીક કાર્યકરો અને વિપક્ષના સભ્યોએ શહેર અને જીલ્લો ખાડાગ્રસ્ત બનતા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી બિસ્માર બનેલ રોડની મરામત કરવા રજુઆત કરવા સાથે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
ભરૂચના પ્રવેશદ્વાર સમા જબુંસર બાયપાસ ચોકડી થી કંથારીયા ગામ તથા કંથારીયા ગામથી દેરોલ સુધીના રોડ તેમજ ભરૂચ બાયપાસ ચોકડી થી મહંમદપુરા તથા મહંમદપુરા થી લઈ રેલ્વે સ્ટેશન સુધીના રસ્તા અત્યંત બિસ્મારથઈ ગયા છે.
જે અંગે ની રજૂઆતો તંત્ર ના બહેરા કાન સાથે અથડાઈ પાછી પડતા આ વિસ્તાર ના સામાજીક કાર્યકર અબ્દુલ કામઠીની આગેવાની સ્થાનિક પાલિકા સભ્યો અને સ્થાનિકો કલેકટર કચેરી ખાતે બેનરો સાથે એકત્રિત થઈ પાલિકા અને પી.ડબ્લ્યુ.ડીની હાય હાય બોલાવી દેખાવો કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવાયું હતું કે આ રસ્તા ઉપર થી રોજના સેકડો વાહનોની અવર – જવર થતી હોય છે.જેમાં વિલાયત જી.આઈ.ડી.સી, ગંધાર પેટ્રોકેમીકલ્સ તથા ઓ.એન.જી.સી ના તમામ વાહનો આ રોડ ઉપરથી ભરૂચ શહેરમાં પ્રવેશે છે.આ રોડ પર છેલ્લા એક માસથી પડેલા ખાડાઓના કારણે વારંવાર અકસ્માત થાય છે.
તો તાકીદે આ રસ્તાનું ભરૂચ પી.ડબલ્યુ.ડી દ્વારા રીપેરીંગ કરવામાં આવે તેમજ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડીથી મહંમદપુરા અને મહંમદપુરા થી રેલ્વે સ્ટેશન સુધીનો રોડ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોય આ રોડ ભરૂચ શહેરનો મુખ્ય રોડ હોય તથા
આ વિસ્તારમાં અસંખ્ય ધાર્મિક સ્થળો, જીલ્લા સબજેલ,એ.પી.એમ.સી માર્કેટ,મોટા હોસ્પીટલો આવેલ હોય આ રસ્તો શહેરનો મુખ્ય માર્ગ હોય આ મંગને તાકીદે ભરૂચ નગ૨ પાલીકા દ્રારા તાકીદે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
અને જાે ૪૮ કલાક માં સમારકામ હાથ ધરવામાં નહિ આવે તો શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં રસ્તા રોકો સહિત ના આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
આવેદનપત્ર પાઠવવામાં સામાજીક કાર્યકર અબ્દુલ કામઠી,પાલિકા વિપક્ષના નેતા શમસાદઅલી સૈયદ, ઉપરાંત પાલિકા દંડક હેમેન્દ્ર કોઠીવાલા,પાલિકા વિપક્ષ ના સભ્યો સલીમ અમદાવાદી,ઈબ્રાહિમ કલકલ સહિત અન્ય અગ્રણીઓ અને આ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.તો આવેદન ને લઈને પોલીસ કાફલો પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો.*