બેંગ્લુરૂમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ થતાં વૃૃધ્ધ મહિલા સહિત બે નાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Bengaluru-1024x576.jpg)
બેગ્લુરૂ, કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના દેવરાચિકન્ના હલ્લી વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ થતાં ચાર માળના મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વૃદ્વ મહિલા સહિત બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ મહિલા બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી અને દાઝી જવાને કારણે તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, જે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી તેનું નામ આશ્રિત એસ્પાયર છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને સવારે ૪.૪૧ વાગ્યે આગ વિશે માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ આગને કાબૂમાં લેવા માટે પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યું હતું. જાે કે, આગ કાબૂમાં આવી શકી નથી, જેના પગલે વધુ બે ટેન્કર મોકલવામાં આવ્યા હતા. મોટાભાગના લોકો એપાર્ટમેન્ટમાંથી નીકળી ગયા હતા.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બિલ્ડિંગમાંથી જ્વાળાઓ ઉછળતા જાેઈ શકાય છે. વીડિયોમાં બાલ્કનીમાં ફસાયેલી એક વૃદ્ધ મહિલા બચાવ માટે વિનંતી કરતી જાેવા મળે છે. પરંતુ, આગ એટલી ભીષણ હતી કે કોઈએ તેને બચાવવાની હિંમત કરી ન હતી. મળતી માહિતી મુજબ, આગથી ચાર ફ્લેટ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.HS