દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૯૨૩ નવા કેસ, ૨૮૨નાં મોત

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ૧૮૭ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, કેરળમાં એક દિવસમાં ૧૯,૬૭૫ કેસ નોંધાયા છે અને ૧૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસોમાં આંશિક વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૯૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૮૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૩,૩૯,૯૦,૦૪૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૧,૩૮,૨૦૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૧૫ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૯૯૦ દર્દીઓ સાજા થયા છે.
હાલમાં ૩,૦૧,૬૦૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૬,૦૫૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૮૩,૬૭,૦૧૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૫,૨૭,૪૪૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં ફક્ત ૧૩૩ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૩૦ દર્દીઓ સ્ટેબલ છે.
અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૫૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૧૦૦૮૨ દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. ગુજરાતમાં બુધવારની સાંજે ૨૮ જિલ્લા અને ૫ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૫ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે.SSS