ત્રણ મહિનાની બાળકીએ ૧૪ દિવસમાં કોરોનાને હરાવ્યો
રાજકોટ, શહેરની ત્રણ મહિનાની નવજાત બાળકીને ખતરનાક કોરોના વાયરસને હરાવવામાં માત્ર ૧૪ દિવસનો સમય લાગ્યો હતો અને તે પોતાની આ લડાઈમાં વિજય મેળવીને મંગળવારે ઘરે પરત ફરી હતી. પીડીયુ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવાની સોલંકી કે જે પડધરી તાલુકાના દોમડાની રહેવાસી છે તેને શરદી, ઉધરસ, તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે ૯મી સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ જ દિવસે બાળકીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેને હાઈ-ફ્લો ઓક્સિજન મશીન પર શિફ્ટ કરવામાં આવી હતી કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
નવજાત બાળકીની સારવાર કરતા ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, શિવાનીને આઠ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવી હતી અને સ્થિતિમાં સુધારો થયા બાદ તેને ૧૭ સપ્ટેમ્બરના રોજ રૂમ ઓક્સિજન પર શિફ્ટ કરવામાં આવી હતી. ‘પીડિયાટ્રિક ડોક્ટરોએ શિવાનીની સારવાર કરી હતી અને અમને ખુશી છે કે બાળકીએ માત્ર ૧૪ દિવસના ઓછા સમયમાં કોવિડ-૧૯ને હરાવ્યો છે.
હવે તે એકદમ તંદુરસ્ત છે અને અમે તેને ડિસ્ચાર્જ કરી છે’, તેમ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ આર.એસ. ત્રિવદીએ જણાવ્યું હતું. રાજકોટમાં મંગળવારે નોંધાયેલા કેસની વાત કરીએ તો, ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા (ઇસ્ઝ્ર)ના જણાવ્યા પ્રમાણે, હાલ રાજકોટ શહેરમાં કુલ નવ લોકો કોરોનાની સારવાર હેઠળ છે. શહેરમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની કુલ સંખ્યા ૪૨,૮૧૭ છે.SSS