Western Times News

Gujarati News

કર્મી-પેન્શર્સના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નાણાં વિભાગ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ એક મહત્વનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારીઓ અને પેન્શનરોને પહેલી જુલાઈ, ૨૦૨૧ની અસરથી વર્તમાનમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૧૭ ટકાના દરમાં ૧૧ ટકાનો વધારો કરીને ૨૮ ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

ટુંકમાં મોંઘવારી ભથ્થાના દરમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ મહિનામાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો અને ત્યારપછી રાજ્ય સરકાર દ્વારા ૬ સપ્ટેમ્બરના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં રાતોરાત રાજકીય પરિસ્થિતિ બદલાઈ જવાને કારણે ઠરાવ બાકી રહ્યો હતો, જેના કારણે નવા દર મુજબ મૂળ પગારના ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવા બાબતે અસમંજસતા ઉભી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ ઠરાવ અનુસાર કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાથી પગારની સાથે સાથે ૨૮ ટકા મોંઘવારી ભથ્થું મળશે. જુલાઈ મહિનાના તફાવતની રકમ ઓક્ટોબર મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૧ના તફાવતની રકમ જાન્યુઆરી-૨૦૨૨ના પગારની સાથે ચૂકવવામાં આવશે.

આ જ રીતે પેન્શનરોને પણ સપ્ટેમ્બર મહિનાથી ૨૮ ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સાથે ચૂકવવામાં આવશે અને જુલાઈના તફાવતની રકમ ઓક્ટોબરમાં તેમજ ઓગસ્ટના તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ-સંસ્થાઓ, જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ આપવામાં આવે છે તેમના માટે આ ઠરાવ લાગુ પડશે.

નાણાં વિભાગની સૂચનાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ ઉપરના કર્મચારીઓ જેમના માટે પણ સાતમું પગાર પંચ મંજૂર હશે તેમને મળવાપાત્ર હશે. ટુંકમાં કહીએ તો, જે કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગારમાં સુધારો થયો છે તેમને રાજ્ય સરકારની વર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા વધારાનો લાભ મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.