Western Times News

Gujarati News

શહેરના ૧૨ વોર્ડમાં ૧૦૦ટકા કરતાં વધુ વેક્સીનેશન

પાલડી વોર્ડમાં સૌથી વધુ ૨૯૬ ટકા જ્યારે વસ્ત્રાલ વોર્ડમાં સૌથી ઓછું ૩૩ ટકા વેક્સીનેશન

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી વેક્સીન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સદર અભિયાનમાં મ્યુનિ.ઓફીસો, જનમાર્ગ, એ.એમ.ટી.એસ.સહિત જાહેર સ્થળો પર વેકસીન આપવામાં આવી રહી છે.

મ્યુનિ.કોર્પાેરેશનના અભિયાનને નાગરીકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં ૧૮કે તેથી વધુ વયના ૮૫ ટકા નાગરીકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે ૪૯ ટકા નાગરીકોએ બંને ડોઝ લીધા છે.

નોંધનીય બાબત એ છે કે ૧૧ વોર્ડમાં વેક્સીનેશનની ટકાવારી ૧૦૦થી ૩૦૦ ટકા જેટલી થઈ છે. જ્યારે એ.એમ.ટીએસ. દ્વારા એક સપ્તાહમાં ૧૭ હજાર નાગરીકોને કોરોના રસી આપવામાં આવી છે. વોર્ડ મુજબ જાેવામાં આવે તો સૌથી ઓછી ટકાવારી વસ્ત્રાલ અને સૌથી વધુ ટકાવારી પાલડી વોર્ડમાં છે.

અમદાવાદ મ્યુનિ.આરોગ્ય વિભાગ, એએમટીએસ, જનમાર્ગ સહિતના નક્કર આયોજનના પરીણામે કોરોના વેક્સીનની કામગીરી ઝડપી બની છે. શહેરમાં પુખ્ત વયના ૪૬૩૮૪૩૨ નાગરીકો પૈકી અંદાજે ૩૯૨૩૬૯૧ નાગરીકોને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. જે કુલ સંખ્યાના લગભગ ૮૫ ટકા છે. જ્યારે પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરીકો પૈકી ૧૮૮૪૬૮૭ નાગરીકોએ રસીના બંને ડોઝ લીધા છે.

મ્યુનિ.કોર્પાેરેશનના ઈલેક્શન વોર્ડ મુજબ વેક્સીનેશન ટકાવારી પર દૃષ્ટિપાત કરીએ તો ૨૨ સપ્ટેમ્બર સુધી પાલડી વોર્ડમાં સૌથી વધુ ૨૯૫.૧૦ ટકા વેક્સીનેશન થયું છે. પાલડી વોર્ડમાં વેક્સીનેશન લાયક ૫૩૯૭ નાગરીકો છે. જેની સામે ૧૫૯૨૫૪ નાગરીકોએ પ્રથમ ડોઝ લીધો છે. જે પૈકી ૬૦ ટકા નાગરીકોએ બંને ડોઝ લીધા છે. પાલડી વોર્ડમાં ટાગોર હોલના કારણે વેક્સીનેશનની ટકાવારીમાં વધારો જાેવા મળે છે. ટાગોર હોલ વેક્સીન સાઈટ ખાતે કુલ ૧૨૬૩૨૦ ડોઝ આપવામાં આવ્યા છે.

બોડકદેવ વોર્ડમાં પણ ૨૧૧.૮૬ ટકા વેકસીનેશન થયું છે. બોડકદેવમાં ૨૦૫૯૫૭ નાગરીકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૧૮૫૦૭ નાગરીકોએ વેક્સીનના બંને ડોઝ લીધા છે. બોડકદેવના પંડીત દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમમાં ૯૬૮૪૬ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે.

શહેરના અન્ય નવ વોર્ડમાં પણ ૧૦૦ ટકા કરતા વધુ વેક્સીનેશન થયા છે. અસારવા વોર્ડમાં ૨૨૪.૮૬, ઓઢવમાં ૧૧૬.૬૨, ગોતા વોર્ડમાં ૧૦૪.૨૨, સૈજપુર બોઘા વોર્ડમાં ૧૪૯.૮૦, ઈન્ડિયા કોલોની વોર્ડમાં ૧૬૬.૭૫, સ્ટેડીયમ વોર્ડમાં ૧૦૧.૮૬, સાબરમતી વોર્ડમાં ૧૩૬.૮૨, નવરંગપુરામાં ૧૪૧.૬૦ તથા મણીનગર વોર્ડમાં ૧૮૫.૮૬ ટકા વેક્સીનેશન થયું છે. વેજલપુર વોર્ડમાં પણ વેક્સીનેશનની ટકાવારી ૧૦૦ ટકાને પાર કરી ગઈ છે.

મ્યુનિ.ઈલેક્શન વોર્ડ મુજબ વેક્સીનની ટકાવારી પર દૃષ્ટિપાત કરીએ તો પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં સૌથી ઓછુ રસીકરણ થયું છે. વસ્ત્રાલમાં ૧૮ કે તેથી વધુ વયના ૧૯૧૨૩૨ પૈકી ૬૨૦૧૮ એટલે કે માત્ર ૩૨.૪૩ નાગરીકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. ઓછા રસીકરણમાં બીજાે ક્રમ કુબેરનગર વોર્ડનો છે. કુબેરનગરમાં ૧૪૬૬૯૯ પૈકી ૬૫૦૪૩ નાગરીકોએ પ્રથમ ડોઝ લીધો છે.

કુબેરનગરમાં રસીનો પ્રથમ ડોઝ લેનારની ટકાવારી માત્ર ૪૪.૩૪ છે. જ્યારે ગોમતીપુર વોર્ડ ઓછી ટકાવારીની દૃષ્ટિએ ત્રીજા નંબરે અને જમાલપુર વોર્ડ ચોથા નંબરે છે. ગોમતીપુરમાં ૪૫.૩૧ ટકા અને જમાલપુરમાં ૪૫.૯૮ ટકા વેક્સીનેશન થયું છે.

દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં માત્ર પાંચ દિવસમાં જ રસીકરણ ટકાવારી લગભગ ત્રણ ગણી થઈ છે. ૧૮ સપ્ટેમ્બર સુધી બહેરામપુરા વોર્ડમાં માત્ર ૨૩.૫૬ ટકા રસીકરણ થયું છે. ૨૩ સપ્ટેમ્બરે બહેરામપુરા વોર્ડમાં પ્રથમ ડોઝની ટકાવારી વધીને ૬૭.૪૧ થી છે. મેયરના મતવિસ્તાર ઠક્કરબાપાનગરમાં ૮૧.૮૫ ટકા વેક્સીનેશન થયું છે. જ્યારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના મતવિસ્તારમાં માત્ર ૫૨.૩૪ ટકા રસીકરણ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.