સેટેલાઈટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બિમારીથી કંટાળી આપઘાત કર્યો

પોલીસને સુસાઈડ નોટ મળી આવીઃ પ્રોફેસર કિડનીના જ્યારે તેમની પત્ની કેન્સર રોગથી પીડાતા હતા
અમદાવાદ, શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં ગુજરાત યુનિવર્સીટીનાં નિવૃત્ત પ્રોફેસર અને તેમનાં પત્નીએ બિમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપખાત કરતાં ચકચાર મચી છે. ૮૧ વર્ષીય પ્રોફેસરને થોડાં સમય અગાઉ જ કિડનીનાં રોગનું નિદાન થયું હતું. જ્યારે તેમના પત્ની કેન્સરથી પિડીત હતા. બંનેએ લખેલી સુસાઈડ નોટ પણ પોલીસને મળી આવી છે.
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસીંગ સોસાયટીમાં રહેતાં ગુજરાત યુનિવર્સીટીનાં નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ તથા તેમનાં પત્ની અંજના વ્યાસે મંગળવારે મોડી રાત્રે પોતાનાં ઘરના એક રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટના અંગે પરીવારે પોલીસનો સંપર્ક કરતા સેટેલાઈટ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં રૂમમાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મૃતક યોગેન્દ્રભાઈ તથા તેમના પત્ની કિડની તથા કેન્સરની બિમારીથી કંટાળ્યા હોવાથી આ પગલું ભરી રહ્યા હોવાનું લખ્યુ હતું. દંપતીએ યોગ તથા પ્રાણાયામનો સહારો બિમારીમાં રાહત મેળવવા માટે લીધો હતો પરંતુ કોઈ ફરક ન પડ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડૉ. યોગેન્દ્ર વ્યાસ ૨૭ પુસ્તકનાં લેખક હતા અને સાહીત્ય અકાદમી પુરસ્કાર પણ તેમણે મેળવ્યો હતો. ઉપરાંત અન્ય ઘણાં ઈનામોની પરસ્કૃત ડૉ.યોગેન્દ્રએ વિવિધ સરકારી સંસ્થાઓમાં પણ પોતાની સેવા આપી હતી. પોલીસ હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.