રાજકોટમાં શિક્ષિકાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો

રાજકોટ, રાજ્યમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટની છે જેમાં એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ આર્યન સોસાયટીમાં રહેતી મહિલા શિક્ષિકાએ રાત્રીના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ આપઘાતની ઘટના સામે આવી છે જેમાં ૧૧ વર્ષના બાળકથી લઇ મહિલા શિક્ષિકા અને બીમારીથી કંટાળેલ વૃધ્ધાનો સમાવેશ થાય છે. હાલ તાલુકા પોલીસે મહિલાના આત્મહત્યા અંગે ગુનો નોંધી આત્મહત્યા પાછળ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ૮૦ વર્ષીય નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. વૃદ્ધ દંપતીએ બીમારીના કારણે મોતને વ્હાલુ કરવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે.
આ મામલે સેટેલાઇટ પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તજવીજ હાથ ધરી છે. મોતને વહાલું કરનાર પ્રોફેસરને કિડનીની બિમારી હતી, જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બંને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા, પરંતુ કોઈ પરિણામ ના મળતાં આત્મહત્યા કરવાનો ર્નિણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતાં હતાં,
જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતાં.