ઝઘડિયા તાલુકા કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
(પ્રતિનિધિ) ભરૂચ, જીસીઆરટી ગાંધીનગર અને ડાયેટ ભરૂચ આયોજીત બીઆરસી ભવન ઝઘડિયા સંચાલિત તાલુકા કક્ષાનું ર્ડો.વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઝઘડિયા ગામની તાલુકા કુમાર શાળા ખાતે આજરોજ યોજાયું હતું.તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં ૬૫ ગણિત વિજ્ઞાન મોડલ કૃતિ રજુ થઇ હતી.ઝઘડિયા તાલુકાની કુલ ૬૫ શાળાના ૧૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શાળાના શિક્ષકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.પ્રદર્શનમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરલાબેન,ડીપીઓ કે.પી.પટેલ, ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ,ઝઘડિયા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ, જીવીટીના રમેશભાઈ,સરપંચ રસીલાબેન,ટીપીઓ વિરલ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ ૧૩૦ વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ, રાઈટિંગ પેડ,ટ્રોફી,પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર પ્રદર્શનનું આયોજન જગતસિંહ યાદવે અને સંચાલન બીઆરસી કો.ઓ રાજીવ પટેલે કર્યું હતું.