ગાંધીનગરના વિકાસની વાત આવે છે ત્યારે મંત્રીની ફોજ ઉતરતી નથી: ઈશુદાન ગઢવી
ગાંધીનગર, ૩ ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. તેથી ગાંધીનગરમા અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા પ્રચારને વેગ આપવામા આવ્યો છે. તો ગાંધીનગરમા આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રચાર અને લોકપ્રિયતા વચ્ચે ભાજપ દ્વારા નવા મંત્રીઓની ફોજને મેદાને ઉતારવામા આવી છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા ભાજપ પર આંકરા પ્રહારો કરવામા આવ્યા છે.
ઈશુદાન ગઢવીે મીડિયા સાથે વાતચીત કરીને જણાવ્યું હતું કે, મને એ નથી સમજાતુ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ માત્ર ગાંધીનગરના મંત્રીઓ છે? ભારતીય જનતા પાર્ટીએ ૧થી ૧૧ વોર્ડમા ૧ અને ક્યાંક તો ૨ મંત્રીઓને જવાબદારી સોંપી છે ત્યારે મને સવાલ એ થાય છે કે, આટલું બધું ડરવાની શું જરૂર છે.
ડર તો બીજા નંબરની વાત છે પણ મંત્રીઓના પ્રચાર સમયે આખુ ગુજરાત રેઢું રખડશે? આ મંત્રીઓ આખા ગુજરાતના હોય છે કે માત્ર ગાંધીનગરના હોય છે? મને એ નથી સમજાતું ગાંધીનગરના વિકાસની વાત આવે છે ત્યારે મંત્રીની ફોજ ઉતરતી નથી. રોડ રસ્તા ખરાબ છે, લોકો પરેશાન છે, કોરોનાના જે-જે વ્યક્તિ બેરહેમીથી હોસ્પિટલની બહાર મૃત્યુ પામ્યા ત્યારે મંત્રીઓની ફોજ ઉતરી નહીં. ચૂંટણી આવે એટલે ભાજપના મંત્રીઓની ફોજ ઉતરી જાય, ભાજપના લોકોની ફોજ ઉતરી જાય.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, લોકોની ચિંતા કરવાના બદલે ગાંધીનગર કોર્પોરેશન જીતવા માટે આખી સરકાર, આખું મંત્રીમંડળ લાગ્યું છે. તેનાથી બે વાત સ્પષ્ટ સમજી શકાય કે, જેમા પહેલું ભાજપને તેની હાર દેખાઈ રહી છે અને બીજુ પોતાના રાજકીય એજન્ડાને કેમ સફળ બનાવવા તે દેખાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, આ લોકો ફક્તને ફક્ત પોતાના સ્વાર્થ માટે શાસન કરે છે નહીં કે જનતાની સુખાકારી માટે.HS