વડાપ્રધાન મોદીની સંપત્તીમાં વર્ષે ૨૨ લાખનો વધારો થયો
નવી દિલ્હી, પીએમ મોદી પોતાની આવક અને સંપત્તિની જાણકારી નિયમિત રીતે દેશના લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.
લેટેસ્ટ જાણકારી પ્રમાણે પીએમ મોદીની કુલ સંપત્તિ ૩.૦૭ કરોડ રૂપિયા છે. જે ગયા વર્ષે ૨.૮૫ કરોડ રૂપિયા હતી. આમ તેમની સંપત્તિમાં એક વર્ષમાં બાવીસ લાખ રૂપિયાનો વધારો થયો છે.
પીએમ મોદી શેરબજારમાં રોકાણ કરતા નથી અને તેમનુ રોકાણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં છે. જ્યાં તેમણે ૮.૯ લાખ રૂપિયા રોક્યા છે. તેમની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ૧.૫ લાખની છે. તેમની પાસે ૨૦૦૦૦ રૂપિયાના એલ એન્ડ ટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ છે. આ બોન્ડ તેમણે ૨૦૧૨માં ખરીદયા હતા.
સંપત્તિમાં વધારા પાછળનુ મુખ્ય કારણ ગાંધીનગર ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં મુકેલી એફડી છે. આ રકમ ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ ૧.૮૬ કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષે ૧.૬ કરોડ રૂપિયા હતી. પીએમ મોદી પાસે કોઈ વાહન નથી. સોનાની ચાર અંગૂઠીઓ છે અને તેની કિંમત ૧.૪૮ લાખ રૂપિયા થવા જાય છે.
તેમનુ બેન્ક બેલેન્સ દોઢ લાખ રૂપિયા છે અને હાથ પર ૩૬૦૦૦ રૂપિયાની રોકડ છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કોઈ સંપત્તિ ખરીદી નથી. ૨૦૦૨માં તેમણે ગાંધીનગરમાં ઘર માટે જે સંપત્તિ ખરીદી હતી તેનુ મુલ્ય ૧.૧ કરોડ રૂપિયા છે. આ સંયુક્ત પ્રોપર્ટી છે અને તેમાં પીએમ મોદીનો હિસ્સો ૨૫ ટકા છે. આમ ૧૪૦૦૦ ચોરસફૂટમાંથી તેમનો અધિકાર ૩૫૦૦ સ્કેવરફૂટ પર છે.SSS