દવા માટે પૈસા માગતા પતિએ પત્નીને ગાળો આપી માર માર્યો
અમદાવાદ, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા એક ૬૦ વર્ષીય મહિલાએ રવિવારના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ૬૨ વર્ષીય પતિએ દવા ખરીદવા માટે પૈસા આપવાથી ઈનકાર કરી દીધો. મહિલાએ જ્યારે વધારે દબાણ કર્યું અને દવા ખરીદવા માટે પૈસા માંગ્યા તો પતિએ તેમને માર માર્યો. ત્યારપછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર મહિલાના આરોપી પતિ સાથે વર્ષ ૧૯૮૧માં લગ્ન થયા હતા. અને લગ્ન થયા તે સમયથી જ મહિલા પતિનો અત્યાચાર સહન કરી રહ્યા છે. આરોપી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્નને બચાવવા માટે અત્યાર સુધી મહિલા ચુપ રહ્યા અને ક્યારેય પતિ વિરુદ્ધ ફરિયાદ નહોતી કરી.
મહિલા જણાવે છે કે, મારા પતિ પાસે દવા ખરીદવા માટે પૈસા માંગ્યા. તેઓ ચીડાઈ ગયા અને મને ગાળો આપવા લાગ્યા. મેં તેમને જણાવ્યું કે મારા માટે આ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ ના કરો, કારણકે મને પૈસા માત્ર મારી દવા ખરીદવા જ નહીં પણ ઘરની અન્ય વસ્તુઓ ખરીદવા માટે પણ જાેઈએ છે.
તેઓ મને બોલતા રહ્યા અને હું તેમને કહેતી રહી કે મને ગાળો ના આપો, માટે તેમણે મને મારવાની શરુઆત કરી. તે સમયે મારી દીકરી ઘરે હાજર હતી, તેણે મને બચાવી અને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવી. વેજલપુર પોલીસ સમક્ષ મહિલાએ ફરિયાદ કરી તે તેમના લગ્ન થયા એના થોડા સમય પછી જ પતિ અને સાસરી પક્ષ દ્વારા ત્રાસ ગુજારવાની શરુઆત થઈ ગઈ હતી.
સાસરિયાઓ દ્વારા તેમના પતિને ઉશ્કેરવામાં આવતા હતા કે, તારી પત્નીને ઘરનું કામ કરતા નથી આવડતું, તે સારું જમવાનું નથી બનાવતી, વગેરે. આ ફરિયાદો સાંભળીને આરોપી પતિ મહિલાને માર મારતા હતા. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ પહેલા એક વાર પતિએ તેમને તરછોડી દીધા હતા અને માતાપિતાના ઘરે મૂકી આવ્યા હતા. મહિલા લગ્નને બચાવી રાખવા માંગતા હતા માટે તે ઘરે પાછા ફર્યા હતા. પરંતુ આખરે દીકરીની મદદને કારણે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવવા વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.SSS