સરકારની મીઠી નજર હેઠળ આ ડ્રગ્સ ગુજરાત આવ્યું છે: ધાનાણી
ગાંધીનગર, ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનાં ધારાસભ્યો સામસામે આવ્યા હતાં. આજે ધારાસભામાં અદાણી પોર્ટ પર પકડાયેલા હેરોઇનનો મુદ્દો ચગ્યો હતો, એક તરફ જ્યાં સરકાર દાવા કરી રહી છે કે આ એક મોટું ઓપરેશન છે અને પોલીસની વાહવાહી કરવી જાેઈએ ત્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો સરકારની કામગીરી સામે આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે.
આજે ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકાર સામે બાંયો ચડાવતા કહ્યું કે બ્રિજેશભાઈ અદાણી પોર્ટ પર ચમરબંધીઓને પકડો. જેના પર રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી સંઘવીએ તરત જવાબ આપતા કહ્યું કે વીરજીભાઈ ગુજરાત સુરક્ષિત હાથમાં છે અને એટીએસએ મોટું ઓપરેશન હાથ ધરી હેરોઇન પકડ્યુ છે,. આ ઓપરેશનમાં પોલીસે ૭૨ કલાક પોતાના જીવ જાેખમમાં નાંખ્યા હતા અને વીરજીભાઈનાં નિવેદનથી પોલીસનું મોરલ ડાઉન થાય છે.
આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું અને કહ્યું ઈતિહાસમાં પહેલીવાર ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું અને સરકારની મીઠી નજર હેઠળ આ ડ્રગ્સ ગુજરાત આવ્યું છે. પરેશ ધાનાણીએ આવું કહેતા જ રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પિત્તો ગુમાવ્યો હતો અને તેમના નિવેદન પર પોઈન્ટ ઓફ ઓર્ડરનો મામલો ઉઠાવ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં કહ્યું કે ધાનાણીએ માફી માંગવી જાેઈએ. ભાજપ સરકાર ડ્રગ્સને લઈને કોઈ જ મીઠી નજર રાખતી નથી, આવા નિવેદન પર ધાનાણી માફી માંગે.HS