અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ
અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના ઘટલીડિયા, મેમનગર, ચાંદલોડિયા,નિર્ણયનગર એસજી હાઇવે, ચાંદખેડા, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો જાે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું હતું આગામી ૩ થી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.
ત્યારે વહેલી સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં સવારે ૧૦ વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટાં સાથે શરૂ થયેલા વરસાદે જાેર પકડ્યું હતું. ધોધમાર વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે શહેરના ઘટલીડિયા, મેમનગર, ચાંદલોડિયા, એસજી હાઇવે, ચાંદખેડા, પ્રહલાદનગર, સાબરમતિ, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર, વડોદરા અને બનાસકાંઠામાં પડ્યો છે.
ડીસા, ક્વાંટ અને ડભોઈમાં વરસાદને કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે. જ્યારે આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ૧૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દસાડામાં ૧૮ મિમી, ખેરાલુમાં ૧૫ મિમી અને વડનગરમાં ૧૦ મિમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૩ ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ૨૮ સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ ૨૯ સપ્ટેમ્બરે ૪૦ થી ૬૦ કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ૩૦ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.HS