મચ્છર બ્રિડીંગ મળી આવતાં સાત શૈક્ષણિક સંકુલોને સીલ કરવામાં આવ્યા
મચ્છરોની ઉત્પત્તિ રોકવા તથા રોગચાળો અટકાવવા સાત દિવસની સઘન ઝુંબેશ કરવામાં આવશે: ડો.કુલદીપ આર્ય
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ કરવા માટે ઈન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટ્રીક, ફોગીંગ, આઈ.આર.એસ., એન્ટી લાર્વલ, કન્સ્ટ્રક્શન સાઈટો-કોમર્શીયલ એકમો, મોલ, મલ્ટીપ્લેક્સ, સ્કુલ તથા અન્ય એકમોનું ચેકીંગ તથા જરૂરી આઈ.ઈ.સી. એક્ટીવીટી જેવી તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કામગીરી કરવામાં આવે છે.
AMC અ.મ્યુ.કો.માં હાલ નોંધાય રહેલ મચ્છરજન્ય રોગોના કેસોમાં ઘટાડો થાય તે માટે આગામી અઠવાડીયા દરમ્યાન સઘન ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા શાળા, કોલેજા, ટ્યુશન કલાસીસ, યુનિવર્સિટી તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૯૭ સંસ્થાઓને નોટીસ આપી રૂ.૫,૧૩,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો તથા છ શૈક્ષણિક સંસ્થાઓ સીલ કરવામાં આવી છે.
ડે.મ્યુનિ.કમિશનર ડો.કુલદીપ આર્ય તથા મેડીકલ ઓફીસ ડો.ભાવિન સોલંકીએ આ અંગે વિસ્તૃત વિગત આપતાં જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે એક સત્તાની સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટો, પાર્ટી પ્લોટો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સરકારી ક્ચેરીઓ વગેરેમાં મચ્છર બ્રિડીંગની ચકાસણી થશે તથા સ્થળ પર જ તે અંગે કાર્યવાહી કરવામાં આવશે. મેલેરીયા વિભાગે આજે ૯૭૯ શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની ચકાસણી કરી હતી.
જેમાં મોટાપાયે મચ્છર બ્રિડીંગ મળી આવતાં આર.સી.હાઈસ્કૂલ, દરિયાપુર, હરિઓમ ટ્યુશન કલાસીસ, શાહપુર, ધરતી સ્કુલ, નિકોલ, મહાવીર સ્કુલ, ઈસનપુર, શ્રી નારાયણ સ્કુલ, ઠક્કરનગર તથા વૈદ્ય ગ્રુપ ટ્યુશન કલાસીસ, નરોડાની એડમિન ઓફીસો સીલ કરવામાં આવી છે.
આ તમામ સ્થળે પાણીની ટાંકી, ટેરેસ તથા ભોંયરામાંથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતાં જ્યારે મણિનગર વિસ્તારની દિવાલ બલ્લુભાઈ સ્કુલ, થલતેજની આનંદ નિકેતન, ગોતા વિસ્તારની સિલ્વર ઓક એન્જિનિયરીંગ કોલેજ, પાલડીની એનઆઈડી ઈન્સ્ટીટ્યુટ વગેરેને નોટીસ આપી વહીવટીચાર્જ લેવામાં આવ્યો છે. આનંદ નિકેતનનો સૌથી વધુ રૂ.૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે એનઆઈડી (NID, Paldi) પાસે વહીવટી ચાર્જ પેટે રૂ.૩૦ હજાર લેવામાં આવ્યો છે.
મ્યુનિ.કોર્પાે.નો મુખ્ય આશય રોગચાળાને નિયંત્રણમાં લેવાનો છે. જેના માટે ૧ હજાર વોલેન્ટીયર્સની ભરતી પણ કરવામાં આવી છે. આ વોલેન્ટીયર્સે ૧૦ દિવસની કામગીરી દરમ્યાન અંદાજે ૪.૫૦ લાખ મકાનોમાં ઘનિષ્ઠ ચેકીંગ કર્યું છે. મેલેરીયા વોલેન્ટીયર્સ તરીકે એલ.એલ.બી., એન્જિનીયરીંગ જેવી ઉચ્ચ ડિગ્રીના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. મેલેરીયા વિભાગે ચાલુ વર્ષ દરમ્યાન મચ્છર બ્રિડીંગ મળી આવવાનાં કારણોસર રૂ.૧ કરોડની પેનલ્ટી વસૂલ કરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.