SVP ગ્લોબલ વેન્ચર્સ ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં 100 કરોડના રોકાણની યોજના
કંપની રાજસ્થાનના ઝાલાવાડ ખાતે વાર્ષિક 4,375 એમટીની ક્ષમતાનો ગ્રીન-ફિલ્ડ એકમ ઊભો કરી રહી છે
· કંપનીની ટેક્નિકલ ટેક્સટાઈલ્સથી વર્ષે લગભગ રૂ. 175 કરોડની આવક મેળવવાની ધારણા
· કંપનીની ઓર્ડર બુક રૂ. 5,000 કરોડથી વધુની છે. કોવિડ-19ના લીધે લોકડાઉન છતાં કંપનીએ નાણાંકીય વર્ષ 2021 માટે રૂ. 1,422 કરોડના કુલ વેચાણો પર રૂ. 234 કરોડની એબિટા સાથે રૂ. 25 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો
મુંબઈ, ફુલ્લી ઈન્ટિગ્રેટેડ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેક્સટાઈલ ઉત્પાદક બનવાના દ્રષ્ટિકોણ સાથે ભારતની સૌથી મોટી કોમ્પેક્ટ કોટન યાર્ન ઉત્પાદક એસવીપી ગ્લોબલ વેન્ચર્સ લિમિટેડ ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં પ્રવેશ કરી રહી છે.
કંપની રાજસ્થાનના ઝાલાવાડ ખાતે ટેક્નિકલ ટેક્સટાઈલ્સ માટે વાર્ષિક 4,375 એમટીની ક્ષમતા સાથેનો ગ્રીન-ફિલ્ડ એકમ ઊભો કરવા લગભગ રૂ. 100 કરોડનું રોકાણ કરી રહી છે. કંપની પ્રોટેક્ટિવ યુનિફોર્મ્સ, ફંક્શનલ ગાર્મેન્ટ્સ, મેડિકલ ટેક્સટાઈલ, મોબી ટેક, હોમ ટેક,
વસ્ત્રોમાં સ્પોર્ટ્સ, મેડિકલ તથા કોસ્મેટિક ઉપયોગ માટે ગંધરોધક અને એન્ટીબેક્ટેરિયલ નીટેડ ફેબ્રિકના ઉત્પાદનની અને અન્ય પ્રોડક્ટ્સમાં ધીરેધીરે વિસ્તરણની યોજના ધરાવે છે. કંપની 12થી 15 મહિનામાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવાની યોજના ધરાવે છે.
ટેક્નિકલ ટેક્સટાઈલ્સ હાઈટેક અને ઈનોવેશન આધારિત ઉદ્યોગ છે જે ભારતમાં ધીરેધીરે પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યો છે. ટેક્નિકલ ટેક્સટાઈલ્સ ફંક્શનલ ફેબ્રિક્સ છે જે ઓટોમોબાઈલ્સ, સિવિલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, એગ્રીકલ્ચર, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે.
આ ગતિવિધિ અંગે ટિપ્પણી કરતાં એસવીપી ગ્લોબલના ડિરેક્ટર શ્રી ચિરાગ પિટ્ટીએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ટેક્સટાઈલ્સ ઉદ્યોગ એ આગામી સમયનો ઊભરતો ઉદ્યોગ છે અને સરકારે તાજેતરમાં જાહેર કરેલી ઉત્પાદન સંબંધિત પહેલથી તેને ઘણો જ વેગ મળશે તેવી ધારણા છે. ઉદ્યોગના ઉજ્જવળ ભાવિને જોતાં અમારા ગ્રુપે આ ક્ષેત્રે પ્રવેશવાનો નિર્ણય લીધો છે. આ નવું ઉત્પાદન એકમ રાજસ્થાનના ઝાલાવાડમાં અમારા હાલના એકમથી નજીક છે. આ વિસ્તરણથી અમારા મુખ્ય વેપારનું પૂરક રહેશે અને આગામી 12થી 15 મહિનામાં આ પ્લાન્ટ વ્યાપારિક કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે.
8 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે 10 ટેક્નિકલ ટેક્સટાઈલ્સ ઉત્પાદનો સહિત શ્રમ-આધારિત ટેક્સટાઈલ્સ સેક્ટરમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી હતી. ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજના હેઠળ સરકાર માનવસર્જિત ફાઈબર્સને આશરે રૂ. 7,000 કરોડ અને ટેક્નિકલ ટેક્સટાઈલ્સને આશરે રૂ. 4,000 કરોડના પ્રોત્સાહનો આપશે. આ ક્ષેત્રમાં હાલના તેમજ પ્રસ્તાવિત રોકાણોને પાંચ વર્ષ માટે વાર્ષિક વધતી આવકના 3 ટકાથી 11 ટકા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. ઉદ્યોગોમાં અસાધારણ ઉછાળો આવે તેવી અપેક્ષા છે અને આગામી 3-5 વર્ષમાં 5 અબજ ડોલરના કદ સુધી પહોંચી શકે છે.
એસવીપી ગ્લોબલના એસએમ, વીએસએમ (નિવૃત્ત) સીઇઓ મેજર જનરલ ઓપી ગુલિયાએ જણાવ્યું હતું કે, “ટેક્નિકલ ટેક્સટાઇલ માટે સૂચિત ગ્રીન-ફીલ્ડ એકમ માટે આશરે રૂ. 100 કરોડનો મૂડી ખર્ચ થશે અને તે આંતરિક ભંડોળમાંથી ભંડોળ પૂરો પાડવામાં આવશે. સરકારની સહાય અને ઉદ્યોગ માટે ઉજ્જવળ સંભાવનાઓ સાથે, અમે અપેક્ષા રાખીએ છીએ કે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન જૂથના વેચાણ અને માર્જિનમાં નોંધપાત્ર યોગદાન આપશે. અમે ટેક્નિકલ ટેક્સટાઇલમાંથી દર વર્ષે અંદાજે રૂ. 175 કરોડની આવકની અપેક્ષા રાખીએ છીએ.
શ્રી વલ્લભ પીટ્ટી દ્વારા 1898માં સ્થપાયેલ, એસવીપી ગ્રુપ મુખ્યત્વે ઝાલાવાડ (રાજસ્થાન), રામનાદ (કોઇમ્બતુર) અને સોહર (ઓમાન)માં 3 અત્યાધુનિક ઉત્પાદન એકમોમાં પોલિએસ્ટર, પોલિએસ્ટર અને કોટન મિશ્રણ અને 100% કોટન યાર્નના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. કંપની યાર્ન, ફેબ્રિક અને વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વની અગ્રણી, સંપૂર્ણ સંકલિત ટેક્સટાઈલ કંપની બનવાની નેમ ધરાવે છે.
ગ્રૂપે તાજેતરમાં જ ઓમાનમાં તેના મેગા ટેક્સટાઇલ પ્લાન્ટમાં વ્યાપારી કામગીરી શરૂ કરી છે. તેણે ઓમાનમાં સોહર ફ્રી ટ્રેડ ઝોનમાં 1.5 લાખ સ્પિન્ડલ અને 3,500 રોટર્સ ફેસિલિટી સ્થાપવા માટે 150 મિલિયન ડોલર (આશરે રૂ. 1,100 કરોડ) નું રોકાણ કર્યું છે.
આ વિસ્તરણ લાંબા સમયગાળા દરમિયાન ઘણા વ્યૂહાત્મક ઓપરેશનલ અને લોજિસ્ટિક્સ લાભો આપે છે. સોહર ખાતે વિસ્તરણ પૂર્ણ થયા બાદ, કંપનીની કુલ ઓપરેશનલ ક્ષમતા વધીને 4 લાખ સ્પિન્ડલ અને 5,900 રોટર્સ થઈ છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મજબૂત આંકડા રજૂ કર્યા છે. કંપનીએ રૂ. 412 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા છે જે વાર્ષિક ધોરણે 300 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 91 કરોડ રહી છે
(એબિટા માર્જિન 22.2 ટકા) અને ચોખ્ખો નફો રૂ. 39 કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન 9.5 ટકા) રહ્યો છે. નાણાંકીય વર્ષ 2021 માટે કંપનીએ રૂ. 1,422 કરોડની કુલ આવક, રૂ. 234 કરોડની એબિટા અને રૂ. 25 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની ઓર્ડર બુક હાલ રૂ. 5,000 કરોડની છે જે આગામી બે-ત્રણ વર્ષની આવકના સમકક્ષ છે.
એસવીપી ગ્લોબલ ટોચના 2% ભારતીય ઉત્પાદકોમાં સામેલ છે જે 5 વર્ષથી ઓછી વયની ટેકનોલોજી અને દરેક શિફ્ટ દીઠ 153-154 ગ્રામ સ્પિન્ડલનું આઉટપુટ ધરાવે છે, જે ઉદ્યોગમાં સૌથી વધુ છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ એકમો નવીનતમ તકનીકી સ્વચાલિત મશીનરીથી સજ્જ છે જે બ્લો રૂમથી વિન્ડલિંગ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આઈઓટી ક્ષમતાઓથી સજ્જ છે. એસવીપી ગ્લોબલ આઈકિયા અને ઝારા સહિતની અગ્રણી બ્રાન્ડ્સ માટે અધિકૃત સપ્લાયર તરીકે માન્ય છે.