ગુજરાત વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણીની તારીખ આજે જાહેર થશે
દિલ્હીમાં ચૂંટણીપંચ દ્વારા હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાશે |
(પ્રતિનિધિ) ગાંધીનગર : કેન્દ્રમાં છેલ્લી બે ટર્મથી સ્થિર સરકારની રચનાના કારણે દેશભરમાં એક પછી એક રાજયોમાં ભાજપની સત્તા આવવા લાગી છે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા જન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે આ દરમિયાનમાં ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની મુદત પુરી થઈ જવાની હોવાથી ચૂંટણીપંચ દ્વારા સઘન કવાયત બાદ આજે આ બંને રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે અને તેની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે જેના પગલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈ તમામ પ્રક્રિયાઓ છેલ્લા ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની મુદત પુરી થતી હોવાથી આ બંને રાજયોમાં રાજકીય પક્ષોના અગ્રણીઓ સતર્ક બનેલા છે આ બંને રાજયોમાં એનડીએનું શાસન છે મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ ભાજપ અને શિવસેના વચ્ચે ફરી એક વખત ગઠબંધન જાવા મળ્યુ છે ત્યારે બીજીબાજુ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સમજુતીનો દોર અંતિમ તબક્કામાં છે
હરિયાણામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડે તેવી શકયતા છે આ બંને રાજયોની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને તેના સાથી પક્ષો તથા કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે અને તેમાં ઉમેદવારોની પસંદગીથી લઈ તમામ પ્રક્રિયા પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ રહયા છે
બીજીબાજુ ચૂંટણી પંચ દ્વારા પણ આ બંને રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તૈયારીઓ પૂર્ણ થઈ જતા ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે દિલ્હીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે અને તેમાં આ બંને રાજયોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે
તેવુ જાણવા મળી રહયું છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકો લુણાવાડા, મોરવા હડફ, બાયડ, રાધનપુર, થરાદ, ખેરાલુ અને અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
આ સાતેય બેઠકો માટે ગુજરાત ભાજપ દ્વારા લગભગ ઉમેદવારો નકકી કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજીબાજુ કોંગ્રેસ દ્વારા પણ સઘન કવાયત કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપ દ્વારા તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ પ્રદેશ નેતાઓએ સાતેય બેઠકોના ઉમેદવારોના નામો લગભગ નકકી કરી દીધા છે અને તેની ટુંક સમયમાં જ દિલ્હીમાંથી જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. બીજી બાજુ કોંગ્રેસે પણ સાતેય બેઠકો પર નિરીક્ષકો મોકલી ઉમેદવારોના નામો મોકલી ઉમેદવારોના નામોની પેનલ બનાવી છે અને અંતિમ ઉમેદવારોની પસંદગી દિલ્હીમાં કરવામાં આવનાર છે.