Western Times News

Gujarati News

ગાંધી જંયતિએ ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજાશે

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન કલીન ઇન્ડીયા અને ‘અમૃત ૨.૦ મિશન’ના અભિયાનના ગુજરાત રાજયમાં આયોજનને આખરી ઓપ આપ્યો હતો.

પ્રવકતા મંત્રીઓએ કહ્યું કે, મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી ર ઓકટોબરે રાજ્યભરની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠાના પાલનપૂર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે તેમ પણ મંત્રીઓએ ઉમેર્યુ હતું.

વડાપ્રધાન સવારે ૧૧ કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે એવું આયોજન રાજ્યના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. પ્રવકતા મંત્રીઓએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં જલ જીવન મિશનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

રાજ્યમાં ૯ર.૯ર લાખ ઘરો સામે ૮૧.૪૧ લાખ ઘરો એટલે કે ૮૭.૬ ટકા ઘરોનું નળ જાેડાણ પૂર્ણ થઇ ગયુ છે, બાકી રહેલા ઘરોમાં આગામી ૧ વર્ષમાં જાેડાણ પૂર્ણ કરાશે તેમ તેમણે કહ્યું હતું.

ગ્રામસભાઓમાં જે એજન્ડાનો સમાવેશ થયો છે તેની વિગતો આપતાં પ્રવકતા મંત્રીઓએ જણાવ્યું કે, વિલેજ એકશન પ્લાન, હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત, પાણી સમિતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે.

તેમણે જણાવ્યું કે, પૂજ્ય બાપૂના સ્વચ્છતા ત્યાં પ્રભૂતા’ના સંદેશને આત્મસાત કરતાં સમગ્ર દેશમાં જે કલીન ઇન્ડીયા કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે તેનો પણ ગુજરાતના વિવિધ ગામો-નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે. તદઅનુસાર, ગ્રામસભાઓમાં જલ જીવન મિશન, સ્વચ્છતા અંગે જનજાગૃતિ, કોવિડ-૧૯ વેક્સિનેશન માટે જનજાગૃતિ અને વતન પ્રેમ યોજના સહિત ૧પમાં નાણાપંચની કુલ રૂ. ૫૫૫૭ કરોડની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો અંગે માર્ગદર્શન અપાશે.

કલીન ઇન્ડીયા કાર્યક્રમ અન્વયે ગ્રામ્યકક્ષાએ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી રોગનિવારક પગલાં, સમગ્ર ઓકટોબર મહિના દરમ્યાન દરેક ગામોમાં સફાઇ ઝૂંબેશ મહાઅભિયાન હાથ ધરવામાં આવશે તેની પણ વિસ્તૃત છણાવટ પ્રવકતા મંત્રીઓએ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.