ચીનમાં વીજ સંકટથીઃ દુનિયાભરમાં વેચાતા મોબાઈલ ફોન્સને અસર થશે

બીજીંગ, છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં એક પ્રકારનું વીજ સંક્ટ ઊભું થયું છે. ચીન સરકારનો ઊર્જા વિભાગ ઉપયોગ માટેના ટાર્ગેટ પૂરા કરવા માટે ઘણા વિસ્તારમાંથી વીજ સપ્લાય કટ કરીને વીજ પુરવઠો ડાઈવર્ટ કરી રહી છે. જેના કારણે ચીનના લોકો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. જેના કારણે અનેક સોસાયટી અને ઘરમાં વીજકાપ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફેક્ટરીમાં વપરાતા વીજ પુરવઠા ઉપર પણ કાપ મૂકી દેવાયો છે.
આ કારણે ચીનની વિશાળ આર્થિક અર્થવ્યવસ્થા મંદ પડી છે. વૈશ્વિક સ્તરે પણ દબાણ વધી રહ્યું છે. ચીનમાં વીજળીના સંક્ટને કારણે દુનિયાભરમાં ચાલતા સ્માર્ટફોન સહિત અનેક ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તથા ગેઝેટના ઉત્પાદન પર એની સીધી અસર થઈ શકે છે.
ચીનના ઔદ્યોગિક ક્ષેત્રે વીજ માગ ઓછી કરવા માટે ઊર્જા ખપત સમિતીએ કેટલાક આદેશ આપ્યા છે. રીપોર્ટ અનુસાર કેટલાક રહેણાંક વિસ્તારમાં પણ વીજકાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થિતિ એવી થઈ હતી કે, કેટલાક લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ચીનની તમામ શક્તિશાળી ઈકોનોમિક પ્લાનિંગ એજન્સીઓ દેશમાં ચાલી રહેલા વીજ સંકટને દૂર કરવામાં મચી પડી છે.
ચીનની તમામ એજન્સીઓએ પોતાની પ્રજાને ખાતરી આપી હતી કે, વીજ સંકટમાંથી બેઠા થવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી ટૂંક સમયમાં વધુ વીજ પ્રાપ્યતા ઊભી કરી શકાય.
છેલ્લા કેટલાક વર્ષોથી ચીન દુનિયાભરની ફેક્ટરીઓ માટે કાચોમાલ પૂરો પાડે છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિકસ, દવાઓ, પ્લાસ્ટિક પ્રોડક્ટ, કાર, ઓટોમોબાઈલ અને બોર્ડ શીટ માટે જરૂરી સામાન ચીનથી આવે છે.HS