Western Times News

Gujarati News

ઇન્ડેલ મનીએ ઇન્ડસઇન્ડ બેન્ક સાથે ગોલ્ડ લોન કો-લેન્ડિંગ ભાગીદારી કરી

મુંબઈ , નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેક્સ મનીએ ઇન્ડસઇન્ડ બેન્ક સાથે તેના પ્રકારની પ્રથમ પરંપરાગત ગોલ્ડ લોન કો-લેન્ડિંગ પાર્ટનરશીપ કરી છે. આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોના વિવિધ અને મોટા વર્ગને સસ્તા વ્યાજદરે ગોલ્ડ લોન ઓફર કરવાનો છે.

ગોલ્ડ લોન કો-લેન્ડિંગ પાર્ટનરશીપ સમજૂતી હેઠળ ઇન્ડેલ મની બંને કંપનીઓએ સાથે મળીને તૈયાર કરેલા ધિરાણના માપદંડ અને લાયકાતાના ધોરણોનું પાલન કરીને લોનની અરજી સ્વીકારશે અને તેને પ્રોસેસ કરશે. કંપની લોનના તમામ તબક્કામાં ગ્રાહકોને સર્વિસ પૂરી પાડશે. આ તબક્કામાં સોર્સિંગ, દસ્તાવેજ, કલેક્શન અને લોન સર્વિસનો સમાવેશ થાય છે.

ગોલ્ડ લોન કો-લેન્ડિંગ પાર્ટનરશીપ હેઠળ આપવામાં આવેલી કુલમાંથી આશરે 80 ટકા ગોલ્ડ લોન ઇન્ડસઇન્ડ બેન્કના હિસાબોમાં સામેલ કરાશે, જ્યારે બાકીની 20 ટકા લોન માટે ઇન્ડેલ મની ફંડ આપશે. આ એનબીએફસી કંપની સપ્ટેમ્બર 2021માં પ્રાયોગિક ધોરણે ગોલ્ડ લોન કો-લેન્ડિંગ પાર્ટનરશીપ હેઠળ લોન આપવાનું ચાલુ કરશે અને તે પછી સમગ્ર ભારતમાં તેનું વિસ્તરણ કરાશે.

ગોલ્ડ લોન કો-લેન્ડિંગ પાર્ટનરશીપથી ઇન્ડેલ મની અને ઇન્ડસઇન્ડ બેન્ક બંનેને બજારના વિવિધ સેગમેન્ટમાં તેમના વ્યાપમાં વધારો કરીને સમગ્ર દેશમાં તેમના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં વધારો કરવામાં મદદ મળશે.

ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે “ઇન્ડસઇન્ડ બેન્ક સાથે કો-લેન્ડિંગ પાર્ટનરશીપ પર હસ્તાક્ષર થવાથી અમે ખુશ છીએ. આ ભાગીદારીથી અમારા પર ગોલ્ડ લોનના તમામ તબક્કાના સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની વધારાની જવાબદારી આવી છે.

આ સમજૂતી ગ્રાહકોના વંચિત વર્ગની ધિરાણ જરૂરિયાતને પહોંચી વળવાની અમારી કુશળતા અને ટેકનોલોજી પર બેન્કે અમારા પર મૂકેલા વિશ્વાસ અને મૂલ્યને પણ દર્શાવે છે. આ ભાગીદારીથી અમને વિવિધ ટિકિટ સાઇઝની લોન અને વિવિધ વિસ્તારોના ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવામાં મદદ મળશે.”

ઇન્ડસઇન્ડ બેન્કના ઇન્ક્લૂસિવ બેન્કિંગ ગ્રૂપના વડા શ્રીનિવાસ બોનમે જણાવ્યું હતું કે “અમને ગોલ્ડ લોનના વિસ્તરણ માટે ઇન્ડેલ મની સાથે ભાગીદારી કરવાથી ખુશી થઈ છે. તેઓ દક્ષિણ ભારતમાં મજબૂત હાજરી ધરાવે છે અને સમગ્ર ભારતમાં વિસ્તરણની યોજના ધરાવે છે. આ સમજૂતી ભાગીદારી મારફત કાર્યક્ષમ અને સર્વગ્રાહી ધિરાણ સુવિધા ઊભી કરવાની અમારી ફિલોસોફી અને વ્યૂહરચના મુજબની છે. .”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.