Western Times News

Gujarati News

ભારતીયો માટે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ત્રણ ચિંતાઓ છે – કાર્ડિયોવાસ્ક્યુલર, શ્વાસોશ્વાસના રોગો અને ડાયાબીટિસ

કોવિડ-19 મહામારીએ ભારતમાં ડિજિટલ હેલ્થ સુધારાને વેગ આપ્યોઃ સર્વે

  • 66 ટકા ઉત્તરદાતાઓ ડિજિટલ હેલ્થ એપ્સનો ઉપયોગ કરે છે અને 88 ટકા નોન-યુઝર્સ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરશે એવી શક્યતા છે
  • 90 ટકાથી વધારે ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, મહામારીએ તેમને ભવિષ્યમાં ડિજિટલ હેલ્થ એપ્સ અને ટેલી-કન્સલ્ટેશનનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા છે
  • 93 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે, તેમને બહુશાખીય અભિગમ અને પર્સનલ કેર મેનેજમેન્ટ સેવાઓમાં રસ છે

 મુંબઈ, તબીબી સલાહ અને સારવાર મેળવવા ડિજિટલ હેલ્થકેર અને એપનો ઉપયોગ ભારતમાં ઝડપથી વેગ પકડી રહ્યો છે, જેને કોવિડ-19 મહામારીનાં કારણે લાગુ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાએ વેગ આપ્યો છે એવું તારણ મેડિક્સ ગ્લોબલ તરફથી કેન્ટરે હાથ ધરેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે.

ભારતીય વસ્તીના વિવિધ વર્ગોમાંથી હેલ્થ વીમા પોલિસીધારકો વચ્ચે હાથ ધરાયેલા આ સર્વેમાં 90 ટકાથી વધારે ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, મહામારીથી ભવિષ્યમાં તેમને ડિજિટલ હેલ્થ એપ્સ અને ટેલી-કન્સલ્ટેશનનો ઉપયોગ કરવા પ્રેરણા મળી છે.

જ્યારે ડિજિટલ એપ માટે આવશ્યક ખાસિયતો વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે ઉત્તરદાતાઓએ ટોચની ત્રણ ખાસિયતો જણાવી હતી, જેનો તેઓ ડિજિટલ હેલ્થ એપ્લિકેશન પર ઉપયોગ કરશેઃ 1. ડેડિકેટેડ ડૉક્ટર/નર્સ (66 ટકા) સાથે વીડિયો કોલ, 2. બ્લડ ટેસ્ટના પરિણામોનું આકલન (65 ટકા), 3. મેડિકલ રેકોર્ડ્સનું અપલોડિંગ, મેનેજિંગ અને શેરિંગ (62 ટકા).

મેડિક્સ ગ્લોબલના સ્થાપક અને સીઇઓ સુશ્રી સિગલ એત્ઝમોન કહ્યું હતું કે, “ત્રણ ભારતીયોમાંથી બે ભારતીયો ડિજિટલ હેલ્થ એપ્સનો ઉપયોગ કરે છે અને 88 ટકા નોન-યુઝર્સ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનુ પસંદ કરશે. રિમોટ અને ડિજિટલ સંવર્ધિત સારવારમાં વધારા સાથે લોકો ઘણી વાર નવી ટેકનોલોજીઓ અજમાવવા તૈયાર છે. તેઓ તેમના ઘરમાં સુવિધાજનક રીત ઝડપી, સલામત અને વાજબી હેલ્થ સેવાઓ મેળવવા ઇચ્છે છે.”

ડિજિટલ એપ પ્રાથમિકતાની ખાસિયતો

અભ્યાસ મુજબ, પાંચ ભારતીયોમાંથી ત્રણ ભારતીયો ટેલી-કન્સલ્ટેશનનો ઉપયોગ કરે છે, તો 93 ટકા નોન-પાર્ટિસિપન્ટ ભવિષ્યમાં એનો ઉપયોગ કરવાનું પસંદ કરશે.

ડિજિટલ હેલ્થકેર પર સેન્ટિમેન્ટના સંબંધમાં સર્વેમાં આ જાણકારી મળી હતીઃ

  • જ્યારે 64% ઉત્તરદાતાઓ અગાઉ ટેલી-કન્સલ્ટેશનમાં સામેલ થયા હતા, ત્યારે 36 ટકા નોન-પાર્ટિસિપન્ટના 93 ટકા ભવિષ્યમાં ટેલી-કન્સલ્ટેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરશે
  • કોવિડ-19એ 90 ટકાથી વધારે ઉત્તરદાતાઓને ભવિષ્યમાં ડિજિટલ હેલ્થ એપ્સનો ઉપયોગ કરવા અને ટેલી-કન્સલ્ટેશનમાં સહભાગી થવા તૈયાર કર્યા હતા
  • કેન્સર સાથે સંબંધિત ટેકનોલોજીઓ માટે ખાસ કરીને ઉત્તરદાતાઓએ માહિતી મેળવવા આતુરતા વ્યક્ત કરી હતી (96 ટકા); જો સરળતાથી ઉપલબ્ધ હોય તો, તેની સાથે સંબંધિત નવી ટેકનોલોજીનો લાભ લેવા (98 ટકા) અને કેન્સર સાથે સંબંધિત આ પ્રકારના પરીક્ષણોને આવરી લેવા તેમની પોલિસીને અપગ્રેડ કરવા (96 ટકા)એ રસ વ્યક્ત કર્યો હતો.

એત્ઝમોને ઉમેર્યું હતું કે, “સર્વેમાં જાણકારી મળી હતી કે, કોવિડ-19એ ભારતીયોના ડિજિટલ હેલ્થ એપ્સ અને ટેલી-કન્સલ્ટેશન્સ પરના અભિપ્રાયો પર નોંધપાત્ર અસર કરી છે. ડિજિટલ હેલ્થકેર સેવાઓ માટે ઘણી માગ છે અને હેલ્થકેર ઉદ્યોગમાં મહામારી નોંધપાત્ર વળાંક લાવી છે તથા ડિજિટાઇઝેશનને પ્રાથમિકતા આપવાની જરૂર છે.”

50 ટકાથી વધારે ભારતીયોને તેમને કે તેમના પરિવારજનોને ભવિષ્યમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, શ્વાસોશ્વાસની રોગો કે ડાયાબીટિસ થવાની ચિંતા સતાવે છે. પરિણામે 82 ટકા ઉત્તરદાતાઓ આ પ્રકારની બિમારીઓનું નિવારણ કરવા અને વહેલાસર નિદાન કરાવવા માટે નિયમિત ચેક-અપ્સ કરાવે છે.

આ અભ્યાસ જૂન, 2021 દરમિયાન 30થી 59 વર્ષ વચ્ચેની વય ધાવતા 1,000 ભારતીય હેલ્થ વીમા પોલિસીધારકોની ઉપયોગી જાણકારી પર કેન્દ્રિત છે. સર્વે પોલિસીધારકોના વર્તમાન સેન્ટિમેન્ટ, તેમની બદલાતી ધારણાઓ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ભવિષ્યની સંભાવના, ઉપલબ્ધ હેલ્થકેર સેવાઓ અને ડિજિટાઇઝ હેલ્થકેરમાં વધતા રસ પર પ્રકાશ ફેંકે છે.

 ભારતની હેલ્થકેર વ્યવસ્થામાં વિશ્વાસ

પરિણામો દર્શાવે છે કે, મોટા ભાગના (69 ટકા) ઉત્તરદાતાઓ સરકારી આરોગ્ય વ્યવસ્થા (57 ટકા) કરતાં ભારતની ખાનગી સ્વાસ્થ્ય વ્યવસ્થાથી વધારે સંતુષ્ટ હતા. ઉત્તરદાતાઓએ તબીબી વ્યવસ્થાની ગુણવત્તા સુધારવા અને તેમાં પારદર્શકતા લાવવા તથા સારવારનો ખર્ચ વાજબી કરવાનાં સૂચનો પણ કર્યા હતા. મોટા ભાગના (93 ટકા)એ કહ્યું હતું કે, તેઓ બહુશાખીય અભિગમ અને પર્સનલ કેસ મેનેજમેન્ટ સેવાઓમાં રસ ધરાવતા હતા.

દસમાંથી આઠ ભારતીયોનું માનવું છે કે, જનરલ પ્રેક્ટિશનર દ્વારા પ્રવર્તમાન રોગો વિશે આપવામાં આવતી માહિતી પર્યાપ્ત છે. જોકે અભ્યાસમાં જાણકારી મળી હતી કે, સ્પેશિયાલિસ્ટની પસંદગી કરવા મિત્રો અને પરિવારજનોને રેફરન્સ માટે પૂછવું જનરલ પ્રેક્ટિશનરની સલાહ જેટલું જ મહત્વપૂર્ણ છે.

80 ટકાથી વધારે ઉત્તરદાતાઓએ તબિયત, નિદાન કે સારવારની સમજણ મેળવવા સ્પેશિયાલિસ્ટની સમજણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લગભગ 90 ટકાએ જણાવ્યું હતું કે, તેઓ સ્પેશિયાલિસ્ટો સાથે અંગત વાત કરવામાં સુવિધા અનુભવે છે.

અભ્યાસમાં એવી જાણકારી પણ મળી હતી કે, અગાઉ ગંભીર સ્થિતિ ધરાવતા 31 ટકા ઉત્તરદાતાઓમાંથી 92 ટકાએ સેકન્ડ ઓપિનિયન મેળવ્યો હતો. ગંભીર તબીબી સ્થિતિ સાથે નિદાન થયેલા લોકો, જેમનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચું હતું (93 ટકા)એ કહ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં સેકન્ડ મેડિકલ ઓપિનિયન મેળવશે.

મેડિક્સ ગ્લોબલ દ્વારા હાથ ધરવામાં આવેલો મેડિક્સ મેડિકલ મોનિટર રિસર્ચ સર્વે 7 જૂનથી 25 જૂન, 2021 વચ્ચે અગ્રણી બહુરાષ્ટ્રીય માર્કેટ રિસર્ચ કંપની કેન્ટરે હાથ ધર્યો હતો. આ સર્વે થાઇલેન્ડ, હોંગકોંગ, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી વિવિધ સમુદાયો વચ્ચે થયો હતો.

આ સંશોધનમાં ઉપભોક્તાઓની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, કેન્સર માટેની જાગૃતિ અને અભિગમ તથા ડિજિટાઇઝ હેલ્થકેરમાં રસને આવરી લેવાયો હતો. મેડિક્સ આ પરિણામોનો ઉપયોગ આ બજારોમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુખ્ય પ્રવાહો સમજવા માટે અને એની મુખ્ય સર્વિસ ઓફરમાં ઉપભોક્તાના રસનો તાગ મેળવવા માટે કરે છે.

* અભ્યાસ છ શહેરો – બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાંથી આવક, વય અને જાતિની દ્રષ્ટિએ વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉત્તરદાતાઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.