નાબાર્ડ દ્વારા 3 દિવસીય સહયોગ મેળાનું સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આયોજન
અમદાવાદ, નાબાર્ડ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય દ્વારા 1 થી 3 ઓક્ટોબર 2021 દરમિયાન 3 દિવસીય સહયોગ મેળાનું સાબરમતી રિવર ફ્રન્ટ, વલ્લભ સદન પાસે આયોજન કરવામાં આવ્યું છે.
મેળો એ ગ્રામીણ કારીગરો અને ઉદ્યોગસાહસિકો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સ્વ સહાય જુથો(SHGs) ને તેમની હસ્તકલા અને ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેનું એક મંચ પૂરું પાડશે. મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કર્યું હતું.
માનનીય કૃષિ મંત્રીએ નાબાર્ડની ગ્રામીણ સમૃદ્ધિ લાવવા માટેની પહેલની પ્રશંસા કરી અને આત્મ-નિર્ભર ભારત મિશનના લક્ષ્યોને સાકાર કરવામાં ખેડૂત ઉત્પાદક સંગઠનની ભૂમિકા પર ભાર મૂક્યો. નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક, શ્રી ડી કે મિશ્રા, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના મુખ્ય મહાપ્રબંધક શ્રી શમશેર માન,
આઈડીબીઆઈના મુખ્ય મહાપ્રબંધક શ્રી એ.કે. ઝા, શ્રી એમ કે બંસલ, એસએલબીસી કન્વીનર, ડીજીએમ આરબીઆઈ તેમજ સિડબી, આઈડીબીઆઈ, જીએસટીસીબી, એડીસી બેંકના પ્રતિનિધિઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી સહભાગીઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજર હતા.
મેળામાં 100 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જે 11 રાજ્યોમાંથી કૃષિ ઉત્પાદકો, કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા માટેનો એક મંચ પૂરો પાડશે. મેળાના ભાગરૂપે નાબાર્ડે ઉત્પાદકોને બજાર સાથે જોડવાના સૂત્ર સાથે ક્રેતા-વિક્રેતા(Buyer- seller)બેઠકનું આયોજન કર્યું છે.
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ રાજ્યોના હેન્ડલૂમ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વધુમાં, પ્રખ્યાત હસ્તકલા જેવી કે મધુબની પેઇન્ટિંગ, પાટણની હસ્તકલા, કચ્છ-ભુજડી વગેરેનું પણ મેળામાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ગ્રામીણ કારીગરોની સર્જનાત્મકતા અને રચનાઓને પ્રદર્શિત કરવાની તક આપવાની સાથે, મેળો તેમને શહેરના બજારોમાં પણ રજૂ કરશે કે જેથી તેઓ બજારના નવીનત્તમ વલણોને અનુરૂપ તેમના ઉત્પાદનોને ફરીથી ડિઝાઇન કરવામાં અને વેચવામાં મદદ કરશે.