વધારે ચૂંટણી-ખર્ચ બદલ ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખને એક વર્ષની નજરકેદ

પેરિસ, ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સર્કોઝીને ૨૦૧૨ની ચૂંટણી માટે વધુ ભંડોળ ગેરકાયદે ફાળવવાના પ્રકરણમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને એક વર્ષની નજરકેદની સજા કરાઇ હતી.અદાલતે નિકોલસ સર્કોઝીને ઇલેક્ટ્રૉનિક મૉનિટરિંગ બ્રૅસલૅટ પહેરીને નજરકેદ હેઠળ રહેવાની પરવાનગી આપી હતી.નિકોલસ સર્કોઝી ૨૦૦૭થી ૨૦૧૨ સુધી ફ્રાંસના પ્રમુખ હતા, પરંતુ ૨૦૧૨માં ચૂંટણી હારી ગયા હતા.
નિકોલસ સર્કોઝીએ પોતાના દ્વારા કોઇ ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપને મે અને જૂન દરમિયાન ચાલેલા ખટલામાં નકાર્યો હતો. તેઓ ચુકાદાને પડકારી શકશે.નિકોલસ સર્કોઝીને પેરિસની અદાલતે દોષી ઠેરવ્યા ત્યારે તેઓ અદાલતમાં ગેરહાજર હતા. તેમણે આશરે બમણો ચૂંટણી-ખર્ચ કર્યો હોવાનો આક્ષેપ છે. તેઓ ૨૦૧૨માં સૉશિયાલિસ્ટ ફ્રાન્કોઇસ હોલાન્દે સામે પ્રમુખપદની ચૂંટણી હારી ગયા હતા.
પેરિસની અદાલતે જણાવ્યું હતું કે નિકોલસ સર્કોઝીને ચૂંટણી-ખર્ચની મર્યાદા ખબર હતી અને વધારાના ખર્ચને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગયા હતા.સરકારી વકીલોએ નિકોલસ સર્કોઝીને છ મહિનાની જેલ, છ મહિનાના સસ્પૅન્ડૅડ સૅન્ટન્સ (ચોક્કસ સમયમાં બીજાે કોઇ ગુનો કરે તો તેની સજા) અને ૩,૭૫૦ યુરો (અંદાજે ૪,૩૫૪ ડૉલર)નો દંડ કરવાની માગણી કરી હતી.
અગાઉ, ૬૬ વર્ષીય નિકોલસ સર્કોઝીને અન્ય કેસમાં ભ્રષ્ટાચાર અને વગ વાપરવા બદલ પહેલી માર્ચે દોષી ઠેરવવામાં આવ્યા હતા. તે કેસમાં એક વર્ષની જેલ અને બે વર્ષનું સસ્પૅન્ડૅડ સૅન્ટન્સ ફરમાવાયું હતું, પરંતુ તેમાં અપીલ બાકી હોવાથી તેમને હાલમાં મુક્ત કરાયા હતા.HS