તાઇવાનના હવાઈક્ષેત્રમાં ઘૂસ્યા ચીનના ૩૮ વિમાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Chin-1024x538.jpg)
બીજીંગ, તાઇવાને એક વર્ષમાં અનેક વખત ચીન દ્વારા તેના હવાઈક્ષેત્રમાં અતિક્રમણની ફરિયાદ કરી છે.તાઇવાને કહ્યું છે કે ચીને તેના હવાઈક્ષેત્ર પર અત્યાર સુધીનું સૌથી મોટું અતિક્રમણ કર્યું છે.સુત્રો અનુસાર તાઇવાને દાવો કર્યો છે કે, શુક્રવારે ચીનના રાષ્ટ્રીય દિવસે ૩૮ લડાકુ વિમાનોએ તાઇવાનના હવાઈક્ષેત્રમાં બે વખત ઉડાણ ભરી હતી.
તાઇવાને એક વર્ષમાં અનેક વખત ચીન દ્વારા તેના હવાઈક્ષેત્રમાં અતિક્રમણની ફરિયાદ કરી છે,ખાસ કરીને તાઇવાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં જે તાઇવાન નિયંત્રિત પ્રતાસ દ્વીપ પાસે છે.તાઇવાન પોતાને સ્વતંત્ર દેશ માને છે પરંતુ ચીન તેને પોતાનો ભાગ ગણાવે છે.તાઇવાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ચીનના ૧૮ જે-૧૬, ચાર સુખોઈ-૩૦ લડાકુ વિમાન, પરમાણુ ક્ષમતાવાળા બે એચ-૬ બૉમ્બર્સ અને એક ઍન્ટી-સબમરીન લડાકુ વિમાન તાઇવાનની હદમાં ઘૂસી આવ્યા હતા.
તેના બાદ શુક્રવારે રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ચીનના વધુ ૧૩ લડાકુ વિમાન તેમની હવાઈ સરહદમાં ઘૂસ્યા હતા. જેમાં ૧૦ જે-૧૬એસ, બે એચ-૬એસ અને એક પૂર્વ ચેતાવણી વિમાન સામેલ હતું.
મંત્રાલયે એમ પણ કહ્યું કે તાઇવાને ચીનના વિમાનોને ચેતવણી આપવા માટે લડાકુ વિમાન મોકલ્યા અને નિરીક્ષણ માટે મિસાઇલ સિસ્ટમ તહેનાત કરી હતી. ચીનના લડાકુ વિમાનોએ પહેલા પ્રતાસ દ્વીપ પાસે અને પછી તાઇવાન અને ફિલિપાઇન્સને અલગ કરતી ચેનલ ઉપર ઉડાણ ભરી હતી.ચીનની તરફથી હાલ આ અંગે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આની પહેલા ચીન કહેતું રહ્યું છે કે આવી ઉડાણોનો ઉદ્દેશ્ય દેશની સાર્વભૌમત્વને બચાવવાનો છે.HS