‘ફેમિલી મેન’ ફેમ સમાંથા અને નાગાર્જુનના પુત્ર નાગ ચૈતન્યના છૂટાછેડા
મુંબઈ, આગ વિના ધુમાડો ન હોય એ ન્યાયે કોઈ સ્ટાર કપલનું લગ્નજીવન ખરાબે ચડ્યું હોય ત્યારે તેના સમાચારો ‘સૂત્રો’ના હવાલાથી વહેતા થઈ જાય છે. પછી એક તબક્કે વાત પર સત્તાવાર સ્વીકૃતિની મહોર લાગતી હોય છે. સાઉથના સુપરસ્ટાર કપલ સમાંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્યના લગ્ન વિશે પણ ચાલતી આવી જ અટકળોનો હવે અંત આવ્યો છે. બંનેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી છે. આ રીતે ચાર જ વર્ષમાં આ હાઇ પ્રોફાઇલ કપલનાં લગ્નજીવનનો અંત આવ્યો છે.
બંનેએ પોતપોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક જ પોસ્ટ શૅર કરીને લખ્યું કે, ‘અમારા બધા જ શુભચિંતકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી મેં અને ચાઈ (નાગ ચૈતન્ય)એ પોતપોતાના અલગ રસ્તા પસંદ કરવાનું નક્કી કરી લીધું છે. એક દાયકાથી અમારી મૈત્રી અમારા સંબંધનો પાયો બની રહી હતી, તે બદલ અમે ખુશનસીબ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી વચ્ચે એક સ્પેશિયલ બોન્ડ જળવાઈ રહેશે.’
બંને આગળ લખે છે કે, ‘અમે અમારા તમામ ફૅન્સ, શુભચિંતકો અને મીડિયાને અપીલ કરીએ છીએ કે તેઓ આ કપરા કાળમાં અમને સપોર્ટ કરો અને અમને પ્રાઇવસી આપો, જેથી અમે આમાંથી આગળ વધી શકીએ.’
છૂટાછેડાના સમાચારો પર છેલ્લા કેટલાય સમયથી બંને મોઢાં સીવીને બેઠાં હતાં. રિપોર્ટ્સ પ્રમાણે છૂટાછેડાનો નિર્ણય લીધા પછી ફેમિલી કોર્ટમાં સમાંથા અને નાગ ચૈતન્ય બંનેનું કાઉન્સેલિંગ થયેલું, પરંતુ આ સ્ટાર કપલે અલગ થવાનો પોતાનો નિર્ણય બદલ્યો નહોતો. સમાંથાને એલિમની તરીકે 50 કરોડ રૂપિયા મળશે.