Western Times News

Gujarati News

જેલના 3 જેલ સહાયકને અંડરટ્રાયલ સંબંધિત ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત

ગાંધીજીના આદર્શોને જીવનમાં સહુ કોઇએ ઉતારવા જોઇએ- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલા

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલના 3 જેલ સહાયકશ્રીને અંડરટ્રાયલ સંબંધિત ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત : ૮ જેટલા જેલબંદીવાનોને ગીતાનું પુસ્તક અર્પણ

રાજપીપલાની જીતનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલાના અધ્યક્ષપદે “નશાબંધી સપ્તાહની ઉજવણી” નો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨ જી થી તા.૮ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપલાના જીતનગર જિલ્લા જેલ ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તેમજ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલા,

જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષકશ્રી ડી.ડી.ગોહીલ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી જયદિપભાઇ સાદડીયા, અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ પૂ. સિધ્ધેશ્વર સ્વામીજી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, જિલ્લા બાળ એસોસીએશનના સેક્રેટરીશ્રી બી.બી.વસાવા, ઇન્ચાર્જ જેલ અધિક્ષકશ્રી એલ.એમ.બારમેરા વગેરે સહિત જિલ્લા જેલના બંદિવાનોની ઉપસ્થિતિમાં “ નશાબંધી સપ્તાહની ઉજવણી ”  ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલાએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તા.૨ જી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ તરીકે ઉજવીએ છીએ, ગાંધીજીના જીવનમાં સત્ય અને અહિંસાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ગાંધીજીના “ સત્યના પ્રયોગો ” પુસ્તક દરેકે વાચવું જોઇએ

તેની સાથોસાથ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવા જોઇએ. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, સત્યનું પાલન કરવું જોઇએ અને હિંસાથી દૂર રહેવાની સાથોસાથ જો અન્યાય થતો હોયતો અવાજ પણ ઉઠાવવો જોઇએ અને વ્યસનથી દૂર હેવું જોઇએ.

જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષકશ્રી ડી.ડી.ગોહીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને આપેલા રચનાત્મક કાર્યક્રમનું અભિન્ન અંગ તરીકે નશાબંધીને ઓળખવામાં આવે છે.

વ્યસન એ સમગ્ર સમાજ માટે લાંછનરૂપ છે. તે આર્થિક રીતે તો નુકસાન કરે જ છે તેની સાથોસાથ માનસિક રીતે પણ નુકસાન કરનારૂ દૂષણ છે. જ્યાં સુધી સમાજમાં નશાના દૂષણના માર્ગો ખૂલ્લા હશે ત્યાં સુધી વ્યક્તિ, દેશ કે સમાજની આર્થિક પ્રગતિ થતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

પૂ.સિધ્ધેશ્વર સ્વામીજીએ આર્શિવચન આપતા જણાવ્યું હતું કે, દેશને આઝાદી આપવામાં પૂજ્ય મહાત્માં ગાંધીજીનો સિંહફાળો રહેલો છે.  ગાંધીજીનું જીવન સાદગીથી ભરેલું હતું તેની સાથોસાથ તેમણે વ્યસનથી પણ દૂર રહેવાની સાથે વ્યસનથી અનેક બહેનો વિધવા થઇ હોવાનું જણાવ્યું હતું.

તમેજ જીવનમાંથી કામ, ક્રોધ, લોભની સાથે વ્યસનના દૂષણને પણ તિલાંજલિ આપીને પૂ.ગાંધી બાપુને સાચી શ્રધ્ધાંજલિ આપવી જોઇએ. આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી સુનિલભાઇ ચાવડા, નમિતાબેન મકવાણા અને જિલ્લા જેલના બંદીવાનોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતાં.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલાના હસ્તે જિલ્લા જેલના જેલ સહાયકશ્રી કાનજીભાઇ ગોહીલ, જયરામભાઇ વસાવા અને વિનોદભાઇને અંડરટ્રાયલ સંબંધિત ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરાયાં હતાં. પૂ. મહાત્મા ગાંધીજીના વિચારો રજૂ કરવા બદલ જિલ્લા જેલના ૮ જેટલા જેલબંદીવાનોને ગીતાનું પુસ્તક અર્પણ કરાયું હતુ.

પ્રારંભમાં ધારીખેડા સુગર ફેક્ટરીના ઇન્સપેક્ટરશ્રી નાનુભાઇ વાઢેળે કાર્યક્રમની રૂપરેખા આપી સૌને આવકાર્યા હતા અને અંતમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષકશ્રી એલ.એમ.બારમેરાએ આભાર દર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ધર્મિષ્ઠાબેન પાઠકે કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.