હિમસ્ખલનની ઘટનામાં નૌકાદળના ચાર અધિકારીઓના મોત

દહેરાદુન, ઉત્તરાંખડની માઉન્ટ ત્રિશૂલ પર એવલાંચ (હિમસ્ખલન)ની ઝપટાં આવેલા નૌકાદળના ચાર અધિકારીના મોત થયા છે. ચારેય અધિકારીના પાર્થિવ શરીરને ૨૪ કલાકથી પણ લાંબા સમય સુધી ચાલેલા સર્ચ મિશન પછી શોધી કાઢવામાં આવ્યા છે. શુક્રવારના બરફવર્ષામાં નૌકાદળના અધિકારી અને એક શેરપા હજુ પણ ગુમ છે.
આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ત્રિશૂલ પર્વત પર ભારતીય નૌકાદળના પર્વતારોહણ અભિયાનમાં ભાગ લેનારા ચાર નૌકાદળના જવાનોના દુઃખદ મૃત્યુથી ખૂબ જ આઘાત લાગ્યો છે.
આ દુર્ઘટનામાં રાષ્ટ્રએ માત્ર કિંમતી યુવાનો જ નહીં પણ હિંમતવાન સૈનિકોને પણ ગુમાવ્યા છે.ભારતીય નૌકાદળના જણાવ્યા મુજબ જે અધિકારીઓના મૃતદેહ મળ્યા છે તેમાં લેફ્ટનન્ટ કમાન્ડર રજનીકાંત યાદવ, લેફ્ટનન્ટ કમાન્ડર યોગેશ તિવારી, લેફ્ટનન્ટ કમાન્ડર અનંત કુક્રેતિ અને માસ્ટર ચીફ પેટી ઓફિસર હરિ ઓમનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે નૌકાદળના પાંચ અધિકારીઓ અને એક શેરપા (માર્ગદર્શક અને સહાયક) ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં ત્રિશુલ પર્વત પર હિમપ્રપાતમાં ગુમ થયા હતા. તે સમયે તે નૌકાદળના અન્ય પાંચ અધિકારીઓ સાથે ત્રિશુલ પર્વત પર પર્વતારોહણ માટે ગયા હતા.
નૌકાદળના પાંચ અધિકારીઓ સુરક્ષિત રીતે બચી ગયા પરંતુ પાંચ અધિકારીઓ અને એક શેરપા ફસાયા હતા. ઝપટમાં આવ્યા બાદ તરત જ સેના, વાયુસેના અને ઉત્તરાખંડના સ્ટેટ ડિજાસ્ટર રેસ્ક્યૂ ફોર્સએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.