સુરતમાં બ્રેનડેડ મહિલાએ વેપારીને જીવનદાન આપ્યું

સુરત, એક યુવાન યોગ ટ્રેનરને શુક્રવારે બ્રેન ડેડ જાહેર કરાયા બાદ તેમના પરિવારે ઓર્ગન ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું અને તેના લીધે પાંચ લોકોને નવું જીવન મળ્યું છે. ૪૦ વર્ષીય રંજન ચાવડાનું લિવર, બે કિડની અને બે આંખનું પાંચ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમનું લિવર સુરતના વેપારીમા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જે શહેરમાં લિવર ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટનો પ્રથમ કેસ બન્યો હતો.
રંજન ચાવડા વલસાડના સેગવીમા રહેતા હતા અને ૩૦ સપ્ટેમ્બરે જ્યારે તેઓ પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે ધરમપુર ચાર રસ્તા પાસે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માત થયો તે સમયે તેઓ પોતાની બહેનના ઘરે જઈ રહ્યા હતા. તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું.
ચાવડાનો પતિ ડ્રાઈવર તરીકે કામ કરે છે જ્યારે તેમનો ૧૬ વર્ષનો દીકરો ૧૧મા ધોરણમાં અભ્યાસ કરે છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, તેમને બ્રેન હેમરેજ થયું હોવાનુ નિદાન થયું હતું અને તેમના મગજમાં બ્લડ ક્લોટ થયું હતું. બાદમાં તેમને શહેરની એપ્પલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા જ્યાં બ્લડ ક્લોટ દૂર કરવાની સર્જરી હાથ ધરાઈ હતી.
જાે કે, તેમની સ્થિતિ ગંભીર રહી હતી અને તેમને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. હોસ્પિટલે આ અંગે સુરતમાં ઓર્ગન ડોનેશન માટે કામ કરતી ડોનેટ લાઈફ નામની સંસ્થાને જાણ કરી હતી અને પરિવારનો સંપર્ક કર્યો હતો.
પરિવારે હિંમત દેખાડી હતી અને તેમના ઓર્ગન ડોનેટ કરવા માટે સંમત થયા હતા. શહેરમાં લિવર ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની આ પ્રથમ ઘટના છે. અત્યારસુધીમાં, ક્યારેય લિવર ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું નહોતું, તેમ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું.SSS