પેંડોરા પેપર્સ લીક કેસમાં સચિન સહિત 300 લોકોએ કરી ટેક્સચોરી?
નવીદિલ્હી, દુનિયાના અમુક સૌથી અમીર અને શક્તિશાળી લોકો જેટલા અમીર દેખાય છે ઘણી વખત તેમની સંપત્તિ તેના કરતાં પણ વધુ હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે આ સંપત્તિ છૂપાયેલી હોય છે અને તેની જાણકારી અમુક લોકો સિવાય બાકી કોઈને નથી હોતી.
ગુપ્ત સોદા અને છૂપી સંપત્તિનો આવો જ એક ખુલાસો ‘પેંડોરા પેપર્સ’માં થયો છે જે અમીરો અને શક્તિશાળી લોકો સાથે જોડાયેલો બહુ મોટો ખુલાસો છે. આ દિગ્ગજોમાં ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર ઉપરાંત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સહિતનાઓના નામ ખૂલ્યા છે.
પનામા પેપર્સ લીક બાદ હવે પેંડોરા પેપર્સ લીક સામે આવ્યું છે. આ પેપર લીક થઈ જતાં ભારત સહિત દુનિયાના અનેક અમીર અને સૌથી શક્તિશાળી લોકોના ગુપ્ત સોદાઓ અને છુપાવાયેલી સંપત્તિ વિશે ખુલાસો થવાનો છે.
પેંડોરા પેપર્સ લીકમાં દુબઈ, મોનાકો, સ્વિત્ઝરલેન્ડ અને કેમૈન આઈલેન્ડ જેવા દેશોમાં દુનિયાભરની અનેક વિદેશી કંપનીઓ અને ટ્રસ્ટોની પાછળના લોકોનો ખુલાસો કરવા માટે એક કરોડથી વધુ ફાઈલોની તપાસ કરવામાં આવી છે.
દરમિયાન ઈન્ટરનેશનલ ક્નસોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટસ (આઈસીજે)એ દાવો કર્યો છે કે પનામા પેપર્સ લીક થયા બાદ ઘણી ભારતીય હસ્તીઓ સાવચેત થઈ ગઈ છે જેથી તેમની કરચોરીનો પર્દાફાશ ન થઈ શકે. આ તપાસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું પણ નામ સામે આવ્યું છે.
દાવા અનુસાર સચિને પનામા પેપર્સ લીક કેસના ત્રણ મહિના બાદ પોતાની બ્રિટિશ આઈલેન્ડની મિલકત વેચવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પોપ સિંગર શકિરાએ પણ ટેક્સચોરી કર્યાનો દાવો કરાયો છે.
સચિનના વકીલે કહ્યું, અમે કોઈ ગેરકાયદે કામ કર્યું નથી
પેંડોરા પેપર્સ લીક મામલે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ બહાર આવતાં તેના વકીલે નિવેદન આપ્યું હતું કે સચિન દ્વારા કોઈ પ્રકારનું ગેરકાયદેસર કામ કરવામાં આવ્યું નથી અને તમામ પ્રકારના ટેક્સની ભરપાઈ કરવામાં આવી છે. જે પણ સોદા થયા છે તે તમામ કાયદેસર હોવાનો તેમણે દાવો કર્યો છે.
‘ધ ગાર્જિયન’ ન્યુઝ અનુસાર પેંડોરા પેપર્સમાં આ લીકમાં અત્યારના અને પૂર્વ રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને રાષ્ટ્રપ્રમુખો સહિત વિશ્ર્વના 35 નેતાઓના નામ સામેલ છે. આ ઉપરાંત તેમાં 90થી વધુ દેશોના લોકો આમાં સામેલ છે અને તેમાં મંત્રી, અધિકારી, જજ, સૈન્ય પ્રમુખ સામેલ છે.
આશ્ચર્યની વાત એ છે કે આ પેપર્સ લીકમાં ભારતના લગભગ 300 લોકોના નામ સામેલ છે અને તેમાં અમુક પૂર્વ સાંસદો પણ છે જેનું નામ પેંડોરા પેપર્સ લીકમાં સામેલ છે. બીજી બાજુ પાડોશી દેશ પાકિસ્તાનના અંદાજે 700થી વધુ લોકો આમાં સામેલ છે.