અનિલ અંબાણી, સચિન તેડુંલકર સહિત ઘણી હસ્તીઓની વિદેશોમાં સંપત્તિનો ખુલાસો
નવીદિલ્હી, દુનિયાના અમુક અમીર લોકોના ગુપ્ત સોદાઓ અને છૂપાયેલી સંપત્તિનો ખુલાસો પેંડોરા પેપર્સમાં થયો છે જે અમીરો અને શક્તિશાળી લોકો સાથે જાેડાયેલો સૌથી મોટો ખુલાસો છે. પેંડોરા પેપર્સમાં ૧૧.૯ મિલિયન એટલે કે ૧.૧૯ કરોડ ફાઈલોના આ લીકમાં પનામા, દુબઈ, મોનાકો, સ્વીત્ઝરલેન્ટ અને કેમન આઈલેન્ડ જેવા ટેક્સ હેવન મનાતા સ્થળોએ ટ્ર્સ્ટ અને કંપનીઓ બનાવવાના દસ્તાવેજ છે. આમાં દુનિયાના ૩૫ નેતાઓના નામનો ઉલ્લેખ છે જેમાં હાલમાં સત્તામાં બેઠેલા અને પૂર્વ નેતાઓ પણ શામેલ છે.
આ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને ઘણી અન્ય હસ્તીઓના નામ પણ યાદીમાં છે. જાે કે પેંડોરા પેપર્સમાં જે લોકોના નામ છે આ બધાએ ખોટુ કામ કર્યુ હોય એવુ જરૂરી નથી.
એક અંગ્રેજી અખબાર દ્વારા પેંડોરા પેપર્સની તપાસમાં એ ખુલાસો થયો છે કે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનુ નામ પણ આ પેપર્સમાં છે. રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન અને તેમના પ્રતિનિધિઓ પાસ જર્સી, બ્રિટિશ વર્જિન આઈલેન્ડઝ અને સાઈપ્રસ જેવી જગ્યાઓએ ઓછામાં ઓછી ૧૮ વિદેશી કંપનીઓ છે.
આની સ્થાપના ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે થઈ હતી અને આમાં સાત કંપનીઓએ કમસે કમ ૧.૩ બિલિયન ડૉલરનુ રોકાણ અને ઋણ મેળવ્યુ હતુ. જર્સીમાં અનિલ અંબાણીના નામે ત્રણ કંપનીઓ – બેટિસ્ટ અનલિમિટેડ, રેડિયમ અનલિમિટેડ અને હ્યુઈ ઈનવેસ્ટમેન્ટ અનલિમિટેડ છે. આ બધાને ડિસેમ્બર ૨૦૦૭ અને જાન્યુઆરી ૨૦૦૮માં બનાવવામાં આવી હતી.
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનુ નામ પણ પેંડોરા પેપર્સમાં સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સચિન તેડુંલકર હાલમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જાેડાયેલા છે. આ પેપર્સમાં સચિન સાથે તેમની પત્ની અંજલિ તેડુંલકર અને સાસરા આનંદ મહેતાનુ નામ પણ છે. બેંકોના કરોડો રૂપિયા લઈને દેશમાંથી ભાગી જનાર નીરવ મોદીનુ નામ પણ પેંડોરા પેપર્સમાં છે.
જાન્યુઆરી ૨૦૧૮માં દેશ છોડીને ભાગવાના એક મહિના પહેલા જ નીરવ મોદીની બહેન પૂર્વી મોદીએ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્ઝમાં એક કંપની બનાવી હતી. આ કંપનીને ટ્રાઈડેન્ટ ટ્રસ્ટ કંપની, સિંગાપુર દ્વારા બનાવવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર બ્રુકટોન મેનેજમેન્ટ લિમિટેડને ડિસેમ્બર ૨૦૧૭માં બનાવવામાં આવી હતી. વળી, પેંડોરા પેપર્સમાં કિરણ મજૂમદાર શૉના પતિ કુણાલ અશોક કશ્યપનુ પણ નામ છે. પેંડોરા પેપર્સમાં ૩૦૦ ભારતીયોના નામ છે. ઓછામાં ઓછી ૬૦ પ્રમુખ હસ્તીઓ અને કંપનીઓ ઑફસોર હોલ્ડિંગ્ઝની તપાસ કરવામાં આવી છે. આવનારા સમયમાં વધુ નામોનો ખુલાસો થવાની આશા છે.
પંડોરા પેપર્સ લગભગ ૧૨ મિલિયન લીક દસ્તાવેજાેની તપાસ આધારિત પેંડોરા પેપર્સ એ ખુલાસો કરે છે કે કેવી રીતે દુનિયાના ઘણા અમીર અને શક્તિશાળી લોકો પોતાની સંપત્તિ છૂપાવી રહ્યા છે. આ સૂચિમાં ૩૮૦ ભારતીયોના નામ છે.HS