73 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીમેળો: 700થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા
“રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળા-2021” અંતર્ગત અમદાવાદ શહેરમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયુ
પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહ જાડોજાની પ્રેરક ઉપસ્થિતી
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એપ્રેન્ટીસ ભરતી મેળા-2021 નો શુભારંભ કરાવતા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા એ કહ્યું કે, રાજ્યના યુવાનોને વધુ કૌશલ્યવાન બનાવવા તાજેતરમાં વિધાનસભામાં “ધ કૌશલ્ય યુનિવર્સિટી”ના નિર્માણ અર્થે વિધેયક પસાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં નિર્માણ પામનારી ધ કૌશલ્ય યુનિવર્સિટી ગુજરાતના અનેક યુવાનોના કૌશલ્યવર્ધન વિકાસમાં અહમ ભૂમિકા ભજવશે તેવો ભાવ મંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.
રાજયમાં લાંબા સમયથી સ્થિર, પારદર્શી અને પથદર્શી શાસનના કારણે ગુજરાત દેશભરમાં ગ્રોથ એન્જીન તરીકે ઉભરી આવ્યું છે. દેશ અને વિદેશના રોકાણકારોને મૂડીરોકાણ માટે ગુજરાત રાજ્ય આકર્ષી રહ્યું છે. રાજ્યમાં ઉધોગકારો દ્વારા પણ ઔધોગિક એકમોના સુચારૂ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે જ આજે મોટી સંખ્યામાં વાઇબ્રન્ટ સમીટમાં રોકાણકારો મૂડીરોકાણ માટે એમ.ઓ.યુ. કરી રહ્યા છે.
કૌશલ ભારત , કુશળ ભારતના નેજા હેઠળ આજે રાષ્ટ્રીય સ્તરે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે જ ગુજરાતમાં પણ 40 જેટલા સ્થળોએ એપ્રેન્ટિસ ભરતી મેળા યોજીને વધુમાં વધુ યુવા રોજગાર વાંચ્છુકોને રોજગારી ઉપલબ્ધ કરાવવના ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું મંત્રી શ્રી એ કહ્યું હતુ.
ગુજરાત રાજ્ય રોજગારી આપવામાં સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યો છે તેમ જણાવી તેઓએ ઉમેર્યુ કે રાજ્યમાં બેરોજગારી દર પણ ખૂબ જ નજીવો એટલે કે ફક્ત 2 ટકા જેટલો જ રહ્યો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળ થી જ યુવાનોમાં રહેલી પ્રતિભાને યોગ્ય દિશા આપવા અનેકવિધ પગલા હાથ ધર્યા હોવાનું જણાવી દેશભરમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં મરીન આઇ.ટી.આઇ. આવેલી છે જે પોતાની કામગીરી માટે દેશભરમાં વિખ્યાત બની હોવાનું તેઓએ ઉમેરેયુ હતુ.
મંત્રી શ્રી એ ઉધોગોમાં તકનીકી ક્ષતિ ન સર્જાય, જાન હાનિ ન થાય તે માટે શ્રમયોગીની સેફ્ટી માટે ઔધોગિક વસાહતોને ઉદાર વલણ દાખવીને વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.
શ્રમ , રોજગાર અને ઔધોગિક ના ત્રિવેણી સંગમ દ્વારા ગુજરાત રાજ્યના વિકાસનો રથ આગળ ધપાવવા સરકાર કટિબધ્ધ હોવાનું મંત્રી શ્રી એ દ્ગઢતાપૂર્વક કહ્યુ હતુ.
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને વટવા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહ જાડેજા એ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાની દૂરંદેશીતાના પરિણામે કૌશલ્ય યુનિવર્સિટીના નિર્માણ માટે વિધાન સભામાં એક્ટ પસાર કરવાની પહેલને બિરદાવી હતી. આ પહેલ દ્વારા ગુજરાત રાજયના યુવાનોનું ભાવિ વધુ ઉજ્જવળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જેમ ગુજરાત દેશનું સ્કીલ કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે તેમ વટવા ઔધોગિક વસાહત વિસ્તાર ગુજરાતનું સ્કીલ કેપિટલ બને તેવો ભાવ શ્રી પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.
તેઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાગલગાટ 14 વર્ષ સુધી તપસ્વી રાજનેતાની જેમ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકળ દરમિયાન વિકાસનો યજ્ઞ આદરીને રાજ્યને વિકાસ મોડલ તરીકે દેશભરમાં ખ્યાતિ અપાવી હોવાનું જણાવી હાલ સરકાર તે જ પરિપાટીએ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતુ.
રાજ્યમાં રોડ,રેલ, એર અને શિક્ષણ કનેક્ટિવિટી ના સુવ્યવસ્થિત માળખાએ દેશ અને વિદેશના મૂડીરોકાણકારોને આકર્ષયા હોવાનું પણ તેઓએ ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના નિયામક શ્રી આલોકકુમાર પાન્ડેય, અમદાવાદ પ્રાદેશિક કચેરીના તાલીમ શાખાના નાયબ નિયામક શ્રી એ.સી. મુલીયાણા, વટવા ઇન્ડ્રસ્ટ્રીઝના પ્રમુખ શ્રી ડિમ્પલ પટેલ, સેક્રેટરી શ્રી કિરણભાઇ પટેલ, મોટી સંખ્યામાં ઔધોગિક ગૃહોના પ્રતિનિધિઓ અને રોજગાર વાંચ્છુક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.