Western Times News

Gujarati News

લખીમપુર ખીરી હિંસામાં ૨૪ લોકોની ઓળખ થઈ,પોલીસે ૭ લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી

લખીમપુર, યુપીના લખીમપુર ખીરીમાં રવિવારે સાંજે ખેડૂતો અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાના સમર્થકોની વચ્ચે હિંસક અથડામણની તપાસ એટીએફ કરશે. મળતી જાણકારી મુજબ એટીએફે તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી ૨૪ લોકોની ઓળખ કરી છે. સાથે પોલીસે ૭ લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

આની પહેલા સમગ્ર મામલામાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત ૧૪ લોકોની વિરુધ્ધ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને બળવા સહિત અનેક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જાે કે તમામની આ મામલામાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

બીજી તરફ લખીમપુર જિલ્લા પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવામાં આવે. તેમના દીકરા આશિષની ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત મૃતકોને ૧-૧ કરોડનું વળતર અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.

બીજી તરફ વિપક્ષના વલણ પર કડકાઈ અપનાવી રહેલા યોગી સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે વિપક્ષ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર રાજકારણ કરી રહી છે. આની પરવાનગી કોઈને ન આપી શકાય. તેમણે કહ્યું કે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. ખુદ સીએમ આનું અવલોકન કરી રહ્યા છે. કોઈ તપાસ વગર કોઈ પરિણામ પર પહોંચવું યોગ્ય નથી. મામલાના ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે.

એ યાદ રહે કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટનામાં ૯ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ શકી નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લખીમપુર ખીરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. લખીમપુર ખીરીની ઘટનામાં ૮ લોકોના મોત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં મોડી રાત્રે મુખ્ય સચિવ અને ડીજીપી સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

યૂપી સરકારે નિવેદન જાહેર કરી કહ્યુ કે, આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે અને તેમાં સામેલ તત્વોને ઉઘાડા પાડવામાં આવશે. સરકારે જનતાને અપીલ કરી કે તે પોતાના ઘરો પર રહે અને કોઈ ઉશ્કેરણીમાં આવે નહીં.

જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ટેનીના ગામ બનવીરપુર જઈ રહ્યા હતા. તેમને રિસીવ કરવા માટે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા કાફલા સાથે ઘરેથી નિકળ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં આશિષ મિશ્ર અને તેની સાથે ચાલી રહેલી એક ગાડીને કિસાનોએ રોકી લીધી. તે તેને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરવા લાગ્યા હતા. કિસાનોથી બચવા માટે કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષ મિશ્રાના ડ્રાઇવરે સ્પીડ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક કિસાન ગાડીની સામે આવી ગયા, જેના કારણે ૬ લોકોના મોત થયા છે અને ૮ કિસાનોને ઈજા થવાના સમાચાર છે. આ ઘટના બાદ નારાજ કિસાનોએ મંત્રીના પુત્રની બે ગાડીને આગને હવાલે કરી દીધી હતી.

આ ઘટના બાદ પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્‌વીટ કરી કહ્યુ- કૃષિ કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કિસાનોને ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા, ગાડીથી કચડવા ઘોર અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. ઉત્તર પ્રદેશ દંભી ભાજપના હત્યાચારને વધુ સહન કરશે નહીં. આ સ્થિતિ રહી તો યૂપીમાં ભાજપ ન ગાડીથી ચાલી શકશે ન ઉતરી શકશે. આ સિવાય માયાવતી, પ્રિયંકા અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ આ ઘટનાની ટીકા કરી છે.

આ ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લખીમપુરકાંડમાં પીડિત પરિવારોને મળવા જઇ રહ્યાં હતાં ત્યારે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતાં અને તેમને સીતામઢી ખાતે લઇ જવામાં આવ્યા હતાં પ્રિયંકા ગાંધીએ તેમને અટકાવવાનો વિરોધ કર્યો છે અને કહ્યું હતું કે શું પીડિત પરિવારોને મળવું ગુનો છેં આ સરકાર કિસાન વિરોધી છે.લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેમને લખીમપુર ખીરી જતા રોક્યા હતા. ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા હતા.સમગ્ર રાજયમાં હાલ તનાવપૂર્ણ સ્થિતિ બનેલ છે.રાજય સરકારે ૧૪૪ કલમ લાગુ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.