Western Times News

Gujarati News

આર્યનનો કેસ ૧૦૬મા ક્રમે છે: સમીર વાનખેડે

મુંબઈ, પાછલા એક વર્ષથી વધારે સમયથી બોલિવૂડ પોતાની ફિલ્મો કરતા વધારે ડ્રગ્સને કારણે ચર્ચામાં છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા બોલિવૂડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળને સમેટવા માટે કમર કસવામાં આવી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડના અનેક લોકો એનસીબીની નજરમાં આવ્યા છે.

આ કેસમાં અનેક લોકોના નામ સામે આવ્યા હતા. તાજેતરમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી છે. આ દરમિયાન એક ચર્ચા એવી ચાલી રહી છે કે, એનસીબી અને ખાસ કરીને ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે માત્ર બોલિવૂડને જ ટાર્ગેટ કરે છે. સમીર વાનખેડેએ આ આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

સમીર વાનખેડેએ જણાવ્યું કે, અમારા પર ઘણીવાર આરોપ મૂકવામાં આવ્યો છે કે અમે બોલિવૂડને ટાર્ગેટ કરીએ છીએ. પરંતુ અમે ફેક્ટ પર વાત કરીએ છીએ અને આંકડાને મહત્વ આપીએ છીએ.

ગત વર્ષમાં અમે ૧૦ મહિનામાં કુલ ૧૦૫ લોકો પર કેસ દાખલ કર્યા છે. તમે બતાવો તેમાંથી કેટલા સેલિબ્રિટી હતા? ઘણાં ઓછા. આ વર્ષે પણ અમે ૩૧૦ લોકોની ધરપકડ કરી છે, અને તેમાંથી કેટલા સેલિબ્રિટી હતા? અમે લોકોએ ૧૫૦ કરોડ રુપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે, પરંતુ તેના વિષે કોઈ વાત નથી કરતું.

આર્યન ખાનની ધરપકડ પર સમીર વાનખેડેએ કહ્યું કે, આજે મીડિયા આર્યન ખાનની સ્ટોરી ચલાવી રહ્યું છે. માત્ર બે દિવસ પહેલા અમે ૫ કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા હતા, પરંતુ તે સમાચાર નથી આવ્યા. ગત સપ્તાહમાં અમે ૬ કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા હતા, જેનો સંબંધ અંડરવર્લ્‌ડ સાથે હતો, પરંતુ તે સમાચાર કોઈએ નહોતા ચલાવ્યા. કોઈ પણ તે વિષે વાત કરવા નથી માંગતુ.

અમારો એક કર્મચારી નાઈજીરિયન ડ્રગ ડીલરને પકડતી વખતે ઈજાગ્રસ્ત થયો, પરંતુ બોલિવૂડની કોઈ પણ વ્યક્તિ અથવા મીડિયાએ તેના વિષે વાત નહોતી કરી. હવે દેખીતી રીતે કોઈ ફેમસ વ્યક્તિને પકડશો તો સમાચાર બનશે, પરંતુ એવો આરોપ ના મૂકો કે અમે માત્ર બોલિવૂડને ટાર્ગેટ કરીએ છીએ.

સમીર વાનખેડેએ જણાવ્યું કે, અમારી ટીમ માત્ર પોતાનું કામ કરે છે અને તેમાં અમુક ફેમસ લોકો પણ પકડાઈ જાય છે. નિયમ તમામ લોકો માટે એકસમાન છે, તો અમે સેલિબ્રિટીને કેમ છોડી દઈએ? જાે કાયદાનું પાલન નહીં કરે તેને માફ કરવામાં નહીં આવે અને માત્ર એટલા માટે કે તે લોકપ્રિય છે? શું તેમને ફેમસ હોવાને કારણે કાયદાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર મળી જાય છે? જાે કોઈ ફેમસ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો અમે કંઈ ના કરીએ? અમે માત્ર ડ્રગ પેડલર્સને પકડીએ અને સ્લમ વિસ્તારમાં દરોડા પાડીએ? આવું શક્ય નથી.

આર્યન ખાન સુશાંત સિંહ રાજપૂતના કેસ પર થતી ચર્ચાઓ પર સમીર વાનખેડેએ કહ્યું કે, હું માનુ છું કે આ કેસ સમાચારોમાં છવાયેલો છે, પરંતુ સુશાંતનો કેસ નંબર ૧૬ હતો અને આ કેસ નંબર ૧૦૬ છે.

આ વચ્ચે અનેક બીજા કેસ દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ લોકો બીજા કેસ વિષે વાત નથી કરતા, કારણકે તે ફેમસ નથી. અમે લોકોએ ૧૨ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, પરંતુ કોઈએ તેના પર વાત સુદ્ધાં નહોતી કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.