પ્રિયંકા ગાંધીએ અટકાયતમાં રખાયેલા સ્થળને સાફ કર્યું
લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ભડકેલી હિંસાના પીડિતોને મળવા માટે પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને પોલીસે સોમવારે વહેલી પરોઢે કસ્ટડીમાં લીધા હતા. પ્રિયંકા ગાંધી લખીમપુર પહોંચી ગયા હતા પરંતુ પોલીસે તેમને હરગાંવથી કસ્ટડીમાં લઈ લીધા હતા અને પીડિતોને મળતા અટકાવ્યા હતા. પ્રિયંકાને સીતાપુર ખાતેના એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
પોલીસે પ્રિયંકા ગાંધીને જે ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં પ્રિયંકા ગાંધી રૂમમાં કચરો વાળતા દેખાઈ રહ્યા છે. ૪૫ સેકન્ડના આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, આખો રૂમ ખાલી છે અને પ્રિયંકા તેમાં કચરો વાળી રહ્યા છે. તેમને પીએસીની ૨૨મી બટાલિયનના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યાર બાદ તેમના ભાઈ અને કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘પ્રિયંકા, હું જાણું છું કે તું પાછી નહીં હટે. તારી હિંમતથી એ ડરી ગયા છે.’
આના પહેલા રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી ખાતે થયેલી હિંસા મામલે સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘જે આ અમાનવીય નરસંહારને જાેઈને પણ ચૂપ છે તેઓ પહેલેથી જ મરી ચુક્યા છે. પરંતુ અમે આ બલિદાનને બેકાર નહીં જવા દઈએ- ખેડૂત સત્યાગ્રહ જિંદાબાદ!’SSS