વડોદરામાં મ્યુકોરમાઇકોસિસ: છેલ્લા ૩૬ કલાકમાં વધુ બે કેસ
વડોદરા, નવરાત્રિના તહેવાર પહેલાં જ સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ગંભીર બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વડોદરામાં ફરી પાછો આવ્યો મ્યુકોરમાઇકોસિસ! છેલ્લા ૩૬ કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૦૭૬ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૪૩૫ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.
વડોદરા શહેરમાં સોમવારે કોરોનાનો એક જ નવો દર્દી મળી આવ્યો હતો. જાેકે આ માટે ૨,૩૪૧ સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ નવો કેસ ફતેપુરા વિસ્તારમાં નોંધાયો હતો. વડોદરા શહેરમાં ૩૪ લોકો હાલમાં ક્વોરન્ટીન છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા ૧૯ છે, જે પૈકી એકની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના વધુ ૨ દર્દી નોંધાયા હતા.
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં ફરી એક વખત કેન્દ્ર સરકાર દ્વારા રસીનો જથ્થો પૂરો પાડવામાં આવતા સોમવારે રસીકરણનો આક વધ્યો હતો. સોમવારે કુલ ૧૦,૦૬૬ લોકોએ રસી મુકાવી હતી જે પૈકી બીજાે ડોઝ લેનારની સંખ્યા ૭૨૯૭ નોંધાઇ હતી છેલ્લા ઘણા સમયથી બીજાે ડોઝ લેનારની અને તેમાં પણ ૧૮થી ૪૪ લોકોમાં બીજાે ડોઝ લેવા ની સંખ્યા વધી રહી છે.
સોમવારે આવી જૂથમાં ૫૦૯૨ લોકોએ રસી લીધી હતી. બીજાે ડોઝ લેનારની ટકાવારી ૫૫.૧૫ નોંધાઈ હતી, જેના કારણે આગામી નવરાત્રમાં ખેલૈયાઓને અને યુવાધનને કોરોનાના સંક્રમણથી બચાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જાે કે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા પણ ૯૦ ટકા સુધી પહોંચી નથી.
વડોદરા શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે દિવાળીપુરા અને દંતેશ્વર વિસ્તારમાં મલેરિયાના ૨ દર્દીઓ નોંધાતાં કુલ આંક ૪૦૦૦ની નજીક પહોંચ્યો છે. સોમવારે શહેરમાં ડેન્ગ્યુના ૩૪ અને ચિકનગુનિયાના વધુ ૭ કેસ નોંધાયા છે. સોમવારે એક જ દિવસમાં તાવના ૬૫૮ કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમોએ કરેલા સર્વેમાં ઝાડા-ઊલટીના ૯૬ કેસ નોંધાયા છે.પાલિકાએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા માટે ૨૯ કન્સ્ટ્રક્શન સાઈટ અને ૧૮ હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી ૫ કન્સ્ટ્રક્શન સાઈટ અને ૨ હોસ્ટેલને નોટિસ આપી સંતોષ માન્યો હતો.
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૦૭૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૭૭ પશ્ચિમ ઝોનમાં ૧૧,૯૯૬, ઉત્તર ઝોનમાં ૧૧,૭૯૪, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૦૨, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૧ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.HS