૨૦૧૫ના પાટીદાર આંદોલનમાં થયેલા કેસો પાછા ખેંચવામાં આવે: પાસ
ગાંધીનગર, ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર આંદોલનના પડઘા સંભળાઈ રહ્યા છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનકારીઓએ ૨૦૧૫ ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉઠાવી છે. તેમણે ફરી પોતાની માંગણી ઉગ્ર કરી છે અને આ સમુદાયને અન્ય પછાત વર્ગની શ્રેણીમાં સમાવવા માટે એક સર્વે કરવા માટે પણ હાકલ કરી છે.આંદોલનનું નેતૃત્વ કરનાર જૂથ, પાટીદાર અનામત આંદોલન સમિતિ નું નેતૃત્વ અલ્પેશ કથીરિયા કરી રહ્યા છે.
સમિતિએ સોમવારે ગાંધીનગરમાં એક બેઠક બોલાવી હતી, જેમાં દિનેશ બાંભણિયા અને ધાર્મિક માલવિયા સહિત ૧૦૦ જેટલા સભ્યો હાજર રહ્યા હતા.બેઠક બાદ કથીરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે પાસ આ પડતર માંગણીઓ અંગે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકારને મેમોરેન્ડમ આપશે. તેમણે કહ્યું કે તેઓ સરકારના જવાબ માટે ૩૧ ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સુધી રાહ જાેશે.
આ સાથે તેમણે આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારોને સરકારી નોકરી આપવાની માંગ કરી છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું, ‘૨૦૧૫ માં, અનામત આંદોલન દરમિયાન ૧૪ પાટીદાર યુવાનો માર્યા ગયા હતા. અમે દરેક મૃતકના સગાને સરકારી નોકરી જાેઈએ છે. ‘ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી ઓછામાં ઓછા ૨૫૦ કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી.’
કથિરિયાએ કહ્યું કે રાજ્ય સરકારે મુખ્ય આંદોલનકારીઓ સામે નોંધાયેલા ચાર રાજદ્રોહના કેસ પણ પાછા ખેંચવા જાેઈએ, જેમાં તેમની સામેના અને પૂર્વ ક્વોટા આંદોલનના નેતા હાર્દિક પટેલનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ગુજરાત એકમના કાર્યકારી પ્રમુખ છે.HS