સાબરમતી રેલ્વે સ્ટેશનના વેઈટીંગ રૂમમાંથી બિનવારસી બેગમાંથી હથિયારો મળી આવ્યા
૩ તમંચા અને ૭ જીવતાં કારતુસ મળતાં પોલીસે સીસીટીવી કુટેજના આધારે સઘન તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશનના વેઈટીંગ રૂમમાં રૂટીન તપાસ દરમિયાન એક બેગમાંથી ૩ દેશી તમંચા અને ૭ જીવતા કારતુસ મળી આવતા ચકચાર મચી છે પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે સાબરમતી રેલ્વે પોલીસ સ્ટેશનના પીએસઆઈ અશોકભાઈ શુકલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા ત્યારે જનરલ વેઈટીંગ રૂમમાં પહોંચ્યા હતા જયાં લોખંડના બાંકડા ઉપર એક બિનવારસી બેગ મળી આવી હતી જેની તપાસ કરતાં કપડાંની નીચે સંતાડેલી પ્લાસ્ટીકની બેગમાંથી ૩ દેશી તમંચા, ૭ કારતુસ તથા એક ડિસમીસ મળી આવ્યું હતું જેના પગલે પોલીસે અજાણ્યા શખ્શ વિરુધ્ધ ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમબ્રાંચે પણ પિસ્તોલ સાથે ૧ને ઝડપ્યો
પીઆઈ ડી૮ બારડની ટીમે બાતમીને આધારે અયુબખાન ફિરોજખાન પઠાણ (સુફીયાન ફલેટ, શાહેઆલમ)ને પીર કમાલ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો હતો જેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા ૧૬ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેને પગલે તપાસ કરતા તેના મામા સલીમ ઉર્ફે ચાવાલા યાકુબ પટેલ (મારવાડીની ચાલી, શાહેઆલમ) છ એક માસ અગાઉ ગાંજાના કેસમાં ક્રાઈમબ્રાંચમાં પકડાયા હતા એ પહેલાં અયુબને પિસ્તોલ તથા કારતુસો સાચવવા આપી હતી હાલમાં યાકુબની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.