Western Times News

Gujarati News

ગુજરાતના શાણા મતદારો કયા પક્ષને મત આપવો, તે સારી રીતે સમજે છે

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક જીતવાનો ટાર્ગેટ

અમદાવાદ, સીએમ ભૂપેન્દ્ર પટેલના શાસનમાં યોજાયેલી સૌ પહેલી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને જંગી વિજય પ્રાપ્ત થયો છે.

ગાંધીનગરમાં પક્ષને મળેલી ઐતિહાસિક જીત પર પોતાની પ્રતિક્રિયા આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ભાજપને ૪૪માંથી ૪૧ બેઠક મળી છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે ચાલવાનું છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ તાલમેલથી કામ કરે છે. તેમણે કહ્યું હતું કે આખા દેશમાં ભાજપનું શાસન હશે તો પણ કાર્યકર્તાઓએ જનતા વચ્ચે રહીને કામ કરવું પડશે.

સીએમે ગાંધીનગરની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી તેવા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગાંધીનગરની જીત અંગે જણાવ્યું હતું કે, કોરોના ઉપરાંત સામાન્ય સ્થિતિમાં પણ લોકો સાથે ભાજપના કાર્યકર્તાઓએ સંપર્ક જાળવી રાખ્યો અને જનતાની નાની-મોટી તકલીફમાં તેની સાથે રહ્યા.

જેના કારણે ગાંધીનગર સહિત ગુજરાતની બીજી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.

ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં ગઈ વખતે ભાજપ પાસે ૧૭ અને કોંગ્રેસ પાસે ૧૫ બેઠકો હતી. જેની સામે આજે ભાજપ ૪૧ બેઠકો જીતી છે, અને કોંગ્રેસને માત્ર બે બેઠક મળી છે. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી.

ગુજરાતના શાણા મતદારો કયા પક્ષને મત આપવાથી જળવાશે તે સારી રીતે સમજે છે, અને તે રીતે જ મતદાન પણ કરે છે. આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના પાટીલે કહ્યું હતું કે, જેઓ ખૂબ ગાજ્યા હતા પરંતુ વરસ્યા નહીં તેમને એક જ સીટ મળી છે.

પાટીલે આમ આદમી પાર્ટી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે તેમણે ગુજરાતની જે પણ ટિકિટ બુક કરાવી હોય તે રદ કરાવી દેવી જાેઈએ કારણકે ગુજરાતની પ્રજાએ તેમને રિજેક્ટ કર્યા છે. પાટીલે જણાવ્યું હતું કે ગાંધીનગરની ચૂંટણીનું ઐતિહાસિક પરિણામ સાબિત કરે છે કે ગુજરાતના મતદારો પીએમ મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને તેમણે વિકાસ માટે મત આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.