એનસીબીએ આર્યન ખાનને વિજ્ઞાનના પુસ્તકો આપ્યા
મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં છે. ગુરુવાર સુધી આર્યન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહેશે ત્યારે તે પૂછપરછમાં પૂરતો સહયોગ આપી રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાને એક માગ કરી હતી જેને એનસીબીએ પૂરી કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આર્યને એનસીબી પાસે સાયન્સના પુસ્તકો મગાવ્યા હતા. જે હવે અધિકારીઓએ તેને આપ્યા છે. હાલમાં જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, આર્યન ખાનને કસ્ટડીમાં કોઈ વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. એટલું જ નહીં તેના માટે ભોજન પણ ઘરેથી નથી આવતું.
રિપોર્ટ પ્રમાણે, આર્યન અને તેની સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલા અન્ય આરોપીઓને એનસીબી પાસે આવેલી એક રેસ્ટોરાંમાંથી ભોજન પૂરું પાડવામાં આવે છે. દરમિયાન, આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આર્યનની વોટ્સએપ ચેટમાંથી ચોંકાવનારા અને દોષિત સાબિત થાય તેવા પુરાવા મળી આવ્યા છે. ઈન્ટરનેશનલ રેકેટ પકડાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
એનસીબીએ દાવો કર્યો છે કે, આર્યનના ફોનમાંથી મળેલી કથિત ચેટમાં પેમેન્ટના મોડ અને કોડ નેમ વિશે વાતો કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે એનસીબીએ આ ડ્રગ કેસમાં મુંબઈના પવઈ વિસ્તારમાંથી વધુ એક શખ્સની ધરપકડ કરી હતી. ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે એનસીબીની ટીમ શહેરમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરી શકે છે.
દરમિયાન શાહરૂખ ખાનને મનોરંજન ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સ તરફથી ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. ‘મન્નત’ની બહાર શાહરૂખના ફેન્સ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતી. જેની વિવિધ તસવીરો એક્ટરના ફેન ક્લબ્સ દ્વારા શેર કરવામાં આવી છે. પ્લેકાર્ડ પર લખેલું હતું, દુનિયાના દરેક ખૂણામાં વસતા તમારા ફેન્સ તમને બિનશરતી પ્રેમ કરે છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ. ધ્યાન રાખજાે કિંગ.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે બાતમીના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે મુંબઈથી ગોવા જતી એક ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ પેસેન્જર બનીને પહોંચ્યા હતા. તેમણે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત આઠ લોકોની અટકાયત કરી હતી અને એનસીબીની ઓફિસે લાવ્યા હતા. જ્યાં કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.SSS