ચાંદખેડામાંથી ૧પ લાખ રૂપિયાની કેન્સરની નકલી દવાનો જથ્થો પકડાયો
એક શખ્શની ધરપકડ: વધુ તપાસ હાથ ધરવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, મેડીકલ માફીયાઓ રૂપિયા રળવા માટે માણસોના જીવ સાથે પણ રમત કરે છે અને નકલી દવાઓ બનાવી તેનું ધુમ વેચાણ કરતા હોય છે ત્યારે યુકે ની કેન્સરની દવા બનાવતી કંપનીની નકલી દવાઓ ચાંદખેડામાં વેચાતી હોવાની માહીતીને આધારે પોલીસ અને કંપનીના અધિકારીઓએ મળીને દરોડો પાડીને ૧પ લાખ રૂપિયાની દવાઓ જપ્ત કરી છે.
આ અંગેની વિગત એવી છે કે યુકે ની બ્રિસ્ટલ માયર્સ સ્કીબ નામની ફાર્માસ્યુટીકલ કંપની કેન્સરની દવાઓ બનાવે છે જેને પોતે ઉત્પાદન નથી કરી એ લોટ નંબરની કેન્સરની દવાઓ અમદાવાદમાં વેચાતી હોવાની જાણ થઈ હતી. આ અંગે કંપની તરફથી મહારાષ્ટ્રમાં રહેતા અધિકારી અનુપ કોલપને જાણ કરવામાં આવતા તેમણે અમદાવાદમાં જાત તપાસ કરી હતી અને ચાંદખેડામાં ધ એમ્પોરીયો કુંજ નામના કોમ્પલેક્ષમાં આવેલી હિત હેલ્થકેર નામની કંપનીમાંથી ગ્રાહક બનીને દવાઓ ખરીદી હતી.
બાદમાં આ અંગે તેમણે ઝોન ર ડીસીપીને જાણ કરી હતી જેમણે અનુપ સાથે પોલીસની ટીમ મોકલીને હેત હેલ્થકેરમાં દરોડો પાડયો હતો જયાં તપાસ કરતા તેમને કેન્સરની સારવારમાં વપરાતી કુલ ૧પ લાખ રૂપિયાની કિંમતની બે અલગ અલગ દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન મળી આવેલા સેલ્સ એકઝીક્યુટીવ મનીષ રવિન્દ્રભાઈ પાંડે (સાબરમતી) સામે ગુનો નોંધ્યો છે અને આ નકલી દવાનું ઉત્પાદન અને વેચાણ કરતા મેડીકલ માફીયાઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.