પંજાબ-હરિયાણામાં પરાળીની આગ નાસાની સેટેલાઇટ તસવીરોમાં દેખાઇ
નવીદિલ્હી, દર વર્ષની જેમ આ વખતે પણ પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે. પરાળી સળગાવવાની તસવીરો નાસાના સેટેલાઇટ દ્વારા પણ જાહેર કરવામાં આવી છે.
આ તસવીરોમાં માત્ર પંજાબ અને હરિયાણા નહીં પાકિસ્તાનમાં પણ પરાળી સળગાવાતી દેખાડવામાં આવી છે. વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે આ વખતે ઉત્તર ભારતમાં અગાઉ કરતા વધુ પ્રમાણમાં પરાળી સળગાવવામાં આવી શકે છે. કેમ કે આ વિસ્તારોમાં ચોમાસાની વાપસીમાં મોડુ થયું છે.
નાસાના ફાયર મેપથી સામે આવ્યું છે કે હરિયાણા, પંજાબ અને પાકિસ્તાનના કેટલાક હિસ્સામાં અત્યારથી જ પરાળી સળગાવવાનું શરૂ થઇ ગયું છે. ફાયર મેપે આ વિસ્તારોને રેડ એલર્ટ તરીકે દેખાડયા છે. જાેકે સાંજ ઢળતા જ આ વિસ્તારોમાં રાહત જાેવા મળી રહી હોવાનો દાવો પણ આ મેપ દ્વારા કરાયો છે. વૈજ્ઞાાનિકોનું કહેવુ છે કે આકાશમાં વાદળા હોવાથી તેમજ વરસાદ પડવાથી થોડી રાહત જાેવા મળી છે.
પંજાબ અને હરિયાણાના જે શહેરોને રેડ એલર્ટ વિસ્તારોમાં સમાવવામાં આવ્યા હતા તેમાં અમૃતસર, જાલંધર, લુધિયાણા, ચંડીગઢ અને ફરીદાબાદ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાનમાં લાહોર, ફૈઝાબાદ, ગુજરાંવાલા અને સરગોધા આસપાસ પરાળી સળગાવાની આગ જાેવા મળી હતી. નાસાના ડેટા મેપ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ તેજીથી વધી છે.
વૈજ્ઞાાનિકોની ચેતવણી છે કે આ વખતે ચોમાસામાં મોડુ થતા તેની અસર પ્રદુષણ પર પડી રહી છે. છ ઓક્ટોબરથી ઘણા વિસ્તારોમાં ચોમાસુ પુરુ થવા જઇ રહ્યું છે. એવામાં ખેડૂતો પાસે બહુ ઓછો સમય વધ્યો છે. હાલ ખેડૂતોએ પરાળી સળગાવવાની શરૂઆત જ કરી છે. અને આગામી દિવસોમાં તેમાં વધારો થાય તો દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ વધી શકે છે.HS