ગુજરાતનું આ શહેર બન્યું, ૧૦૦ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપનાર દેશનું પ્રથમ શહેર

સુરત, એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૨.૧૩ લાખ લોકોને કોરોના રસી મૂકવાનો રેકર્ડ કરનાર સુરત ૧૦૦ ટકા વેક્સિનેશન કરનાર દેશનું પહેલું શહેર બની ગયું છે. શહેરમાં ૧૮ વર્ષ કરતાં વધુ વયના તમામ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. ૬૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં ૧૦૦ ટકા વેક્સિનેશનની સિદ્ધિ મેળવનાર સુરત પહેલું શહેર છે.
૧૬મી જાન્યુઆરીના રોજ શહેરમાં વેક્સિનેશન કામગીરી શરૂ કરી હતી. આરોગ્ય ખાતાએ ડોર ટુ ડોર સર્વે કરી ૧૮ વર્ષથી વધુ વયની ૩૪,૩૨,૭૩૭ વ્યક્તિને ઓળખી કાઢી હતી. જુલાઈ બાદ કોરોનાા કેસ ઘટતા વેક્સિનેશન કામગીરી ખૂબ મોટા પાયે હાથ ધરી હતી.
છેલ્લા ત્રણ મહિનાથી સરેરાશ ૨૬૭ વેક્સિન કેન્દ્રો પર ૧૦૬૮ આરોગ્ય કર્મચારી વેક્સિનેશ કામગીરી કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિને પાલિકાએ ૪૦૦થી વધુ કેન્દ્રો પર રાતે બાર વાગ્યા સુધી વેક્સિનેશન કામગીરી કરી એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૨.૧૩ લાખ લોકોને વેક્સિન મૂકી હતી.
પાલિકાએ મંગળવારે મોડી સાંજ સુધીમાં શહેરના ૩૪,૩૬,૨૧૩ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. અત્યાર સુધીમાં ૧૬,૬૧,૮૪૪ લોકોને વેક્સિનને બીજાે ડોઝ મૂકાયો છે. શહેરના ૪૮.૪ ટકા લોકોએ બીજાે ડોઝ લઈ લીધો છે.