માસ્ક કેમ સરખી રીતે પહેર્યું નથી કહીને વડીલને ધમકાવી વીંટી લુંટી બે શખ્સો ફરાર

પ્રતિકાત્મક
ગાંધીનગર, શહેરના સેક્ટર-૩૦ સરકારી શાળાના ગેટ પાસેથી સવારના અગીયાર વાગ્યાના અરસામાં માસ્ક કેમ સરખી રીતે પહેર્યું નથી તેમ કહી ધમકાવીને વૃદ્ધના હાથમાંથી સોનાની બે વીંટી ઝુંટવી બે શખ્સો બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સેક્ટર-૨૧ પોલીસ મથકે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ શહેરના સેક્ટર-૩૦ જાગૃતિપાર્ક મ.નં.૭૯૯-૧ ખાતે દેવજીભાઈ જીવાભાઈ ઢંચા નિવૃત્ત જીવન પસાર કરે છે અને પોતાના નાના દિકરા કિશોર સાથે રહે છે. ગત તા.૫ના રોજ સવારના અગીયાર વાગ્યાના સુમારે ઘરેથી નિત્યક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા. તે સમયે સેક્ટર-૩૦ની સરકારી શાળા પાસે બે શખ્સો તેમની પાસે આવ્યા હતા.
દેવજીભાઈને માસ્ક કેમ નાક નીચે પહેર્યું છે તેમ કહીને ધમકાવી નામ ઠામ પુછવા લાગ્યા હતા. આ દરમિયાન બંને શખ્સો તેમણે પહેરેલી સોનાની વીંટીઓ જાેઈ ગયા હતા. બાદમાં કહેવા લાગેલ કે તમે માસ્ક સરખી રીતે તો પહેરતા નથી અને સોનાની વીંટી પહેરો છો તેમ કહેતા વડીલ એકદમ ગભરાઈ ગયા હતા.
વડીલની એકલતાનો લાભ લઈ બંને શખ્સો સોનાની સફેદ નંગવાળી રૂ.૨૫ હજારની વીંટી અને બીજી રૂ.૨૦ હજારની વીંટી ઝુંટવી નાસી ગયા હતા. દેવજીભાઈએ હોહા કરતા સ્થાનિક નાગરીકો દોડી આવ્યા હતા. તે પહેલાં જ લુંટારૂઓ બાઈક લઈને ફરાર થઈ ગયા હતા.
આશરે ૩૫ વર્ષના આશરાના બે લુંટારૂઓ પૈકી એક શખ્સ સફેદ કલરનો શર્ટ તેમજ વાદળી રંગનું પેન્ટ પહેરેલ હતું. જ્યારે બીજા શખઅસો રાખોડી રંગનું શર્ટ અને વાદળી પેન્ટ પહેર્યું હતું. બનાવ અંગે દેવજીભાઈએ સેક્ટર-૨૧ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.