લિંકન ફાર્માસ્યુટિકલ્સને ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર, ટીજીએ તરફથી મંજૂરી મળી
અમદાવાદ, ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક એવી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ઓસ્ટ્રેલિયાની મેડિસિન અને મેડિકલ ડિવાઇસ રેગ્યુલેટર – થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) પાસેથી મંજૂરી મેળવી છે. ગુજરાતમાં ખાત્રજ ખાતે આવેલા કંપનીના ઉત્પાદન એકમને ટેબ્લેટ, કેપ્સ્યુલ અને ક્રીમ અને ઓઈન્ટમેન્ટ એમ ત્રણેય વિભાગો માટે ટીજીએ પાસેથી જીએમપી મંજૂરી મળી છે,
જે કંપની દ્વારા ઉત્પાદિત ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીને આવરી લેશે. કંપની ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયન બજારોમાં તેની ડર્મેટોલોજી, ગેસ્ટ્રો અને પેઇન મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ સાથે પ્રવેશશે અને ધીમે ધીમે પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરશે. આ સર્ટિફિકેશન જૂન 2023 સુધી માન્ય રહેશે.
ટીજીએ અને ઈયુ જીએમપી મંજૂરીઓ કંપનીની રેગ્યુલેટેડ માર્કેટ્સમાં હાજરીને વધુ મજબૂત બનાવશે. મે, 2020માં કંપનીને તેના ઉત્પાદન એકમ માટે જર્મની એફડીએ પાસેથી યુરોપિયન યુનિયન (ઈયુ) જીએમપી સર્ટિફિકેશન મળ્યું હતું જેનાથી કંપની ઈયુના તમામ 27 સભ્ય દેશોમાં તેની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી શકશે અને યુરોપિયન ઈકોનોમિક એરિયા (ઈઈએ) દેશોમાં પણ વ્યાપાર કરી શકશે.
કંપની તેના ખાત્રજ એકમ ખાતે એન્ટી-ઈન્ફેક્ટિવ, રેસ્પિરેટરી સિસ્ટમ, ગાયનેકોલોજી, ડર્મેટોલોજી, ગેસ્ટ્રો, પેઈન મેનેજમેન્ટ, કાર્ડિયો અને સીએનએસ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ડાયાબિટીક, એન્ટી-મેલેરિયા સહિતની વિવિધ રેન્જની ડ્રગ્સ બનાવે છે.
લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ટીજીએ અને ઇયુ જીએમપી મંજૂરી કંપનીની સફરમાં મહત્ત્વનું પગલું છે અને વધુ રેગ્યુલેટેડ માર્કેટ્સમાં તેની હાજરી વધારવામાં મદદ કરશે. લિંકન ફાર્મામાં તમામ વિભાગોમાં ખાસ કરીને આર એન્ડ ડી અને કમ્પ્લાયન્સમાં કડક ગુણવત્તા અને અનુપાલન ધોરણો અનુસરવામાં આવે છે
તેના પરિણામે જ ટીજીએ અને ઇયુ જીએમપી મંજૂરીઓ મળી છે. છેલ્લા કેટલાક વર્ષોથી, કંપનીને નિકાસ વ્યવસાયમાં સારી એવી પ્રગતિ જોઈ છે, જેને ટીજીએ અને ઈયુ કામગીરી શરૂ થયા પછી વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે. આ સર્ટિફિકેશનથી નિયંત્રિત બજારોમાં દર્દીઓની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા અને સસ્તી તથા નવીન દવાઓ પ્રદાન કરવા માટે અમને તક મળશે.”
ટીજીએ અને ઈયુ સર્ટિફિકેશનથી કંપની 90થી વધુ દેશોમાં તેનું બિઝનેસ નેટવર્ક વિસ્તારી શકશે. કંપની હાલ ઈસ્ટ અને વેસ્ટ આફ્રિકા, સેન્ટ્રલ અને લેટિન અમેરિકા તથા સાઉથ-ઈસ્ટ એશિયા સહિતના 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને આ દેશોમાં અનેક પ્રોડક્ટ રજિસ્ટ્રેશન ધરાવે છે. કંપનીને અનેક ગ્લોબલ ટેન્ડર્સ પણ મળેલા છે.
કંપનીના એક્સપોર્ટ બિઝનેસમાં છેલ્લા કેટલાર વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. નાણાંકીય વર્ષ 2021માં કુલ વેચાણમાં નિકાસોનું પ્રદાન 65 ટકા હતું જે નાણાંકીય વર્ષ 2013માં 11 ટકા હતું. કંપની હાલ ઈસ્ટ અને વેસ્ટ આફ્રિકા, સેન્ટ્રલ અને લેટિન અમેરિકા તથા સાઉથ-ઈસ્ટ એશિયા સહિતના 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે. નાણાંકીય વર્ષ 2021માં નિકાસો 18.4 ટકા વધીને રૂ. 270 કરોડ થઈ હતી.
વિકાસના આગામી તબક્કા માટે કંપની લાઈફસ્ટાઈલ અને ક્રોનિક સેગમેન્ટ ખાસ કરીને ડર્મેટોલોજી, ગેસ્ટ્રો અને પેઈન મેનેજમેન્ટમાં મજબૂત પોર્ટફોલિયો બનાવવા માંગે છે જે એક્યુટ સેગમેન્ટમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવશે. નાણાંકીય વર્ષ 2022માં આવક, માર્જિન અને નફાકારકતાના આંકડામાં વૃદ્ધિ હાંસલ કરવાનો અમને વિશ્વાસ છે.
અમારી વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલ, પ્રોડક્ટ અને ભૌગોલિક વિસ્તરણ, કામગીરીમાં કાર્યદક્ષતા અને દેવા મુક્ત સ્થિતિ ટૂંકાથી મધ્યમ ગાળા માટે અમારા તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય સર્જન કરશે તેવી સંભાવના છે એમ શ્રી પટેલે જણાવ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નફામાં 20 ટકાથી વધુ સીએજીઆર અને વેચાણમાં ઊંચી સિંગલ ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે. નોંધપાત્ર રોકડ સંચય, શૂન્ય મુદત દેવું અને તંદુરસ્ત રિટર્ન રેશિયોના લીધે કંપનીની તરલતાની સ્થિતિ મજબૂત પાયા પર છે.
કંપનીની નાણાંકીય જોખમ રૂપરેખા, સ્કેલ અને માર્જિનમાં સ્થિત વૃદ્ધિ, તંદુરસ્ત નફાકારકતાને ધ્યાનમાં લઈને રેટિંગ એજન્સી ઈકરા દ્વારા કંપનીના લાંબા ગાળાના અને મધ્યમ ગાળાની બેંક ફેસિલિટીઝને અનુક્રમે એ અને એ1 રેટિંગ આપવામાં આવ્યું છે.
લિંકન ફાર્મા ગુજરાતના અમદાવાદમાં ખાત્રજ ખાતે અત્યાધુનિક ઉત્પાદન એકમ ધરાવે છે, જે કડક આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને પાલન ધોરણોનું પાલન કરે છે અને ઈયુ જીએમપી, ડબ્લ્યુએચઓ-જીએમપી અને આઈએસઓ-9001:2015 દ્વારા પ્રમાણિત છે. કંપનીએ 15 થેરાપ્યુટિક એરિયામાં 600થી વધુ ફોર્મ્યુલેશન વિકસાવ્યા છે
અને એન્ટી-ઈન્ફેક્ટિવ, રેસ્પિરેટરી સિસ્ટમ, ગાયનેકોલોજી, કાર્ડિયો અને સીએનએસ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ડાયાબિટીક, એન્ટી મેલેરિયા જેવા ક્ષેત્રોમાં મજબૂત પ્રોડક્ટ-બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ 25થી વધુ પેટન્ટ અરજીઓ ફાઈલ કરેલી છે અને તેને સાત પેટન્ટ આપવામાં આવી છે. દેશભરમાં 30,000 થી વધુ ડોકટરો, કેમિસ્ટ્સ સુધી પહોંચેલા 600થી વધુ કર્મચારીઓના સમર્પિત ફિલ્ડ ફોર્સ સાથે રાષ્ટ્રીય બજારમાં કંપનીની મજબૂત હાજરી છે.